Press "Enter" to skip to content

Month: July 2010

મ્હાલી ગયું મૃત્યુ


પ્રેમ અને લાગણીના કોમળ તાંતણે બંધાયેલ એક આત્મીય સ્વજનની તાજેતરમાં થયેલી ચિરવિદાય વેળાએ રચાયેલ રચના.

ક્ષણોના કાફલાને પળમહીં ઠારી ગયું મૃત્યુ,
વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયું મૃત્યુ.

જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ,
હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ.

જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા,
કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ.

હતી એકેક પળ એના જીવનની એટલી રોશન,
નિહાળી લોક પણ બોલી ઉઠ્યા, મ્હાલી ગયું મૃત્યુ.

વચન છે એટલું તુજને, જરૂર હો આવજે ત્યારે,
જીવનને આંગણેથી કોઈ ના ખાલી ગયું, મૃત્યુ.

હતી ફરિયાદ ચાતકને પ્રતીક્ષા રોજ કરવાની,
હતું કેવું સરળ એનું હૃદય, આવી ગયું મૃત્યુ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

કન્યાવિદાય


મિત્રો, આજે કન્યાવિદાયને આલેખતી એક રચના. આશા છે આપને ગમશે.

વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.

જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.

કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.

એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.

આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

વરસવાના એંધાણ લાવો !


મિત્રો, આપના સહકાર, પ્રેરણા અને પ્રોત્સાહનથી મીતિક્ષા.કોમ આજે બે વરસ પુરા કરે છે એ નિમિત્તે નામી-અનામી સૌ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર. આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે એ આપને ગમશે.

સમસ્યા વિના પણ સમાધાન લાવો,
રણમાંય હરિયાળાં મેદાન લાવો.

ગુલો, ગુલબદન ને ગુલીસ્તાં ઘણાં છે,
અમસ્તાંય થોડુંક વેરાન લાવો.

ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો.

જુએ રાહ અવતરવા તેત્રીસ કોટિ,
જરૂરી છે કારણ? તો શયતાન લાવો.

શરમ સર્વ ત્યાગીને બેઠા તબીબો,
કહે ખુદ મરીઝો કે બેભાન લાવો.

કફન તો નસીબે મળે મોત પાછળ,
જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.

ભરોસો ખુદાને નથી કેમ થાતો ?
વ્યથાઓ સમજવાને ઈન્સાન લાવો.

જુઓને આ ‘ચાતક’ તૃષાથી મરે છે,
કોઈ તો વરસવાના એંધાણ લાવો !

કરો પૂર્ણ ‘ચાતક’ની આજે પ્રતીક્ષા,
હટાવી દો પર્દા, ન વ્યવધાન લાવો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments