પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન પરણાવતા. ગીતમાં એવું ભલે વાગડ પ્રદેશ માટે કહેવાયું હશે પણ આ સમસ્યા સર્વવ્યાપક છે. શું આટલી પ્રગતિ અને કન્યા કેળવણી પછી આપણે આપણા ઘરમાં આવતી કોડભરી કન્યાને પુત્રીવત્ ગણી કેમ અપનાવી નહીં શકતા હોઈએ ? ..
*
*
દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. સૈયર તે હમથી, દાદા…
દિ’એ દળાવે મને, રાતડીએ કંતાવે રે સૈ,
પાછલડી રાત્યુંએ પાણીડાં મોકલે રે…સૈયર તે હમથી, દાદા…
ઓશીકે ઈંઢોણી, મારા પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓસરીએ મારું બેડલું રે..સૈયર તે હમથી, દાદા…
પિયુ પરદેશ મારો એકલડી અટૂલી રે સૈ
વાટલડી જોતી ને આંસુ પાડતી રે …સૈયર તે હમથી, દાદા…
ઊડતા પંખીડાં મારો, સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….સૈયર તે હમથી, દાદા…
(હમ-સમ- સૌગંદ)