Press "Enter" to skip to content

Month: October 2009

પ્રીતમાં પાગલ થઈ ગઈ

પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ થયેલ CD ‘વિદેશિની‘ માં સાંભળી શકાય છે.
*
સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ

*
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ … હું તો.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી ને મારી આ પળપળની વાત,
મારી કોરી આંખ્યુંનું કાજળ થઇ ગઇ … હું તો.

હું તો આંખો મીંચીને તને સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ … હું તો.

– પન્ના નાયક

3 Comments

પૂનમની રાત ઊગી


આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ રચિત એક મજાનું ગીત સાંભળીએ રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
સ્વર- રેખાબેન ત્રિવેદી, આલ્બમ- અમર સદા અવિનાશ

*
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત.
આસમાની ચૂંદડીના લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયે હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

– અવિનાશ વ્યાસ

3 Comments

તમે પાછા ફરશો ક્યારે ?


મિત્રો, આજે બીજી ઓક્ટોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સત્ય અને અહિંસાના શસ્ત્રોથી બળવાન ગણાતી અંગ્રેજ સલ્તનતને ઝુકાવી, ભારતને સ્વતંત્ર કર્યું. અપાર લોકઆદર તો મેળવ્યો જ સાથે સાથે દુનિયાના ઈતિહાસમાં ભારતનું નામ અમર કર્યું. ગાંધીજી માત્ર એક સ્વચ્છ રાજકારણી જ નહોતા પણ સંત હતા, આધ્યાત્મિક મહામાનવ હતા. પ્રાર્થનામાં અને રામનામમાં તેમને અપાર વિશ્વાસ હતો. જીવનના અંત સમયે પણ હે રામ કહેવાનું ન ચુક્યા એવા આ ગુજરાતી સપૂતને આજે આપણે યાદ કરીએ. માણો શ્રી યોગેશ્વરજી કૃત ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે 1969માં રચેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’માંથી આ સુંદર પદ.

તમે પાછા ફરશો ક્યારે?

મુરઝાયેલી માનવતાના માળી બનતાં વ્હારે
રેલવવા રસક્યારે રસને ફરી આવશો ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

પીડા પૃથ્વીપ્રાણે પાછી, એના એ ઉકળાટ,
ઘોર તમિસ્ત્ર છવાયાં સઘળે વ્યાપી જડતા-રાત;
પુણ્યપ્રભા પ્રકટાવી પ્રેમળ પવિત્ર ને રળિયાત
માનવને કહેવા વીસરાઈ એ જ ઐક્યની વાત,
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

શમી સમસ્યાઓ ના સઘળી નવી સમસ્યા જાગે,
અશાંત અટવાયેલી અવની આર્ત અધિકતર લાગે;
શસ્ત્રોના સંચય વધતાં ને ભેદભીતિ ના ભાગે,
વસતો સુંદર વસુંધરામાં માનવ ના રસરાગે.
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

અપૂર્ણ મૂકી ગયા કાર્યને પૂરણ કરવા પ્રેમે
પાછા ફરો કરીશું સ્વાગત નેહનીતરતાં નેને;
જરી જુઓ તો તમે ચાહતા શું ને આજ થયું શું,
ભારત ને મનુકુળના ભાગે આજે રિક્ત રહ્યું શું ?
પુષ્પો પાથરશું પંથમહીં વધાવતાં મધુમાળે … તમે પાછા ફરશો ક્યારે ?

એક મહામાનવને માગે મ્લાન મહીમંડળ આ
યુગોતણો ઈતિહાસ સર્જવા ઝંખે છે અંતરમાં;
પ્રકટો કે આશીર્વાદ ધરો વિભૂતિ કોઈ જાગે
રંગી દે અંતરને એના અભિનવ શાશ્વત રાગે,
ત્રુટિત સિતારી સાંધી છોડે દિવ્ય સુરાવલિ તારે … તમે પાછા ફરશો ક્યારે ?

શ્રી યોગેશ્વરજી કૃત ‘ગાંધીગૌરવ‘માંથી (સાભાર સ્વર્ગારોહણ )

3 Comments