Press "Enter" to skip to content

Month: August 2009

અમ્મર રાખડી


આજે રક્ષાબંધન-ભાઈબહેનના પવિત્ર પ્રેમનું પર્વ. આજે બેન ભાઈને હાથે રાખડી બાંધશે, ગળ્યું મોઢું કરાવશે અને બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષાનો સંકલ્પ કરશે. બ્રાહ્મણો આજે જનોઈ બદલશે અને સાગરખેડુઓ પોતાના દેવ એવા દરિયાદેવને અર્ઘ્ય આપશે અને સાગરમાં એમની રક્ષા થાય એ માટે પ્રાર્થના કરશે. ઈતિહાસ જોઈશું તો માલૂમ પડશે કે રાખડી માત્ર બહેન ભાઈને બાંધે એવું નહોતું. સૂતરના તાંતણાવાળી રાખડી પવિત્ર પ્રેમ સાથે રક્ષાનું પ્રતીક મનાતું. રાખડીનો મહિમા દર્શાવતો મહાભારત યુદ્ધનો એક પ્રસંગ આજે જોઈશું. અર્જુનપુત્ર અભિમન્યુ યુદ્ધમાં જવાનો હતો ત્યારે કુંતી એને રક્ષા બાંધે છે કારણ અભિમન્યુને પરાસ્ત કરવા કૌરવોએ સાત કોઠાની ચક્રવ્યુહ સમી સંરક્ષણની દુર્ભેદ્ધ દિવાલ ઊભી કરેલી. આ સંવાદમય રચનામાં કુંતી શૌર્યના પાઠ ભણાવવાની સાથે યુદ્ધમાં દરેક કોઠા પર કોનો સામનો થશે એની યુવાન અભિમન્યુને ઝાંખી આપે છે.
*
સ્વર- પરેશ વાડીયા; આલ્બમ- હરિ ઓમ તત્સત

*
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હારે(સાથે) મામા શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર… કુંતા.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનું બાણ, લેજો પળમાં એના પ્રાણ … કુંતા

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…કુંતા

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરાવજો જામા…કુંતા

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને માથે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…કુંતા

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી … કુંતા

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ્ય એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા ના દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ … કુંતા

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ એ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે રથ, એને આવજે બથ્થમબથ … કુંતા

– રચનાકાર (???)

6 Comments

ચાલ, વરસાદની મોસમ છે


વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? સાંભળો આ સુંદર રચના.
*

*
ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

– હરીન્દ્ર દવે

4 Comments