Press "Enter" to skip to content

Month: May 2009

જનનીની જોડ સખી નહીં જડે


મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર આપણે જો ગુરુપૂર્ણિમા ઉજવી શકતા હોય તો આપણી પ્રથમ ગુરુ એવી મા માટે મધર્સ ડે કેમ નહીં. હા, એ વાત સાચી કે એ દિવસ પૂરતાં જ મા ને યાદ કરીએ, મળવા જઈએ, એને ખુશ રાખીએ એવું નહીં પણ વર્ષભર, પ્રત્યેક પળે ને સમયે એની મમતા, સ્નેહ અને વાત્સલ્યને ગૌરવ ધરીએ. તો સાચા અર્થમાં મધર્સ ડે ઉજવેલો ગણાશે. મારે તો આજે સોને પે સુહાગા છે કારણ મમ્મી-પપ્પા ભારતથી આજે અમેરિકા આવે છે. સૌ માતાઓને તથા હૈયે માતૃત્વ ભાવના ધરાવતા સર્વને હેપી મધર્સ ડે. માણો બોટાદકરની અમર કૃતિ બે અદભૂત સ્વરમાં.
*

*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર બોટાદકર

11 Comments

થઈ જાય તો સારું


ભગવાન શંકરની જટામાંથી જાહ્નવી ગંગાનું પૃથ્વી પર અવતરણ માનવજાતિના મંગલનું કારણ બન્યું. જો એવી રીતે નીચે પડવું કોઈને માટે કલ્યાણકારણ થતું હોય તો એવું પતન પણ મુબારક હો. વળી પ્રેમીનું પોતાને ઘર જવા નીકળવું – વિયોગની એ ઘટનાથી ઉદાસ થયેલ કવિ કહે છે કે એને રસ્તામાં કોઈ અપશુકન થાય અને એ રીતે પણ એ ઘરે પાછા આવે તો એ મને કબૂલ છે. સુંદર શેરોથી સભર નાઝિરની આ ગઝલ આજે માણો.

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલા ક્યાક બાળી દે નહીં જગને,
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું !
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ નાઝિર હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

– નાઝિર દેખૈયા

1 Comment

ઓ હૃદય !


પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે વ્યક્તિઓ જીવનમાં દુઃખનું કારણ બની હોય છે તે મૃત્યુ પછી મગરના આંસુ સારતી દેખાય છે. માણો ‘બેફામ’ની આ સુંદર રચના મનહર ઉધાસને કંઠે.
*
આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો

*
ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુ:ખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌ મને લૂંટી ગયા,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લૈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને.

સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત;
જ્યારે જ્યારે આપ આવ્યા છો ખિલાવ્યો છે મને.

એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.

– બરકત વિરાણી ‘બેફામ’

8 Comments

મા ને ટેકો


આજકાલ ઘરડાંઘરો વધી રહ્યા છે, વૃદ્ધાશ્રમોની જાહેરાતો અખબારો તથા ટીવીમાં જોવા મળે છે. આ સ્થિતિ શરમજનક હોવા છતાં વાસ્તવિકતા હોવાથી આંખમિંચામણા કરી શકાય એમ નથી. જે માતાએ પોતે ભીનામાં સૂઈને પોતાના પેટના જણ્યાને સૂકામાં સુવડાવ્યા હોય છે તે પોતાના પાછલા દિવસોમાં ખાસ કરીને પતિની વિદાય પછી પુત્ર પાસે સહારાની અપેક્ષા રાખે છે. સંજોગોની થપાટે કે વિધિની વક્રતાને કારણે પુત્રોના હૈયા પથ્થરહૃદયી થવાની વાતો સાંભળી-વાંચી માતાને વિચાર આવે છે કે રખે મારો પુત્ર તો એવો ન નીકળે. બસ, માતાની આંખમાં ડોકાતા એ પ્રશ્નથી કવિના હૈયામાં હલચલ મચે છે. એ સંવેદનાનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. આશા રાખીએ કે આપણે આપણી જનેતાના હૈયામાં એવા પ્રશ્નને ઉદભવવા ન દઈએ.

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જાગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.
ફક્ત મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

– વિપિન પરીખ

2 Comments

ગુણવંતી ગુજરાત !


મિત્રો, આજે ગુજરાતનો સ્થાપના દિન છે. તો આજે ગરવી ગુજરાતના મહિમાનું ગાન કરતું આ સુંદર શાસ્ત્રીય ઢાળમાં ગવાયેલ ગીત સાંભળીએ.
*
સંગીત મેહુલ સુરતી; સ્વર મેહુલ સુરતી, જાસ્મીન કાપડીઆ, દ્રવિતા ચોકસી

*
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! … ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! … ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગમાં અર્પણ કરિયે જાત ! … ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય … ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! … ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસ્લિમ,પારસી,સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ ! … ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર … ગુણવંતી ગુજરાત !

– અરદેશર ખબરદાર

2 Comments