પ્રણયની મધુરી કેડીમાં ક્યારેક જુદાઈના ગીત ગવાય છે. દિલમાં ભારોભાર વ્યથા હોય, મનમાં કેટકેટલા પ્રશ્નો હોય જેના ખુલાસા મેળવવાના અને કરવાના હોય પણ વાત કરવાનો મોકો જ ન મળે. કોઈ સમારંભમાં, કોઈ જાહેર સ્થળે, અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રિયજનને જુઓ પણ વાત ન કરી શકો તો ? મુક્તકમાં એ બેબસીનું કરુણ નિરુપણ છે. તો મત્લાનો શેર એના કારણ વિશે કેટલું સરળતાથી કહી જાય છે. સંબંધોમાં તીરાડની પ્રથમ નિશાની એકમેકને માટે સમયનો અભાવ. એમાંય જ્યારે એક પક્ષે સારો સમય ન હોય, અર્થાત્ કોઈ રીતે અન્ય પ્રેમીની સમકક્ષ ઊભા ન રહેવાનું કારણ હોય તો એવા પ્રેમીના ભગ્ન હૃદયની કથા, એની બેબસીનો ચિતાર અહીં ધ્વનિત થયો છે. માણો બાપુભાઈ ગઢવીની સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
*
દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં
*
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ?
રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી
વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવું એ તમારો વિષય નથી
હું ઈંતજારમાં અને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.
– બાપુભાઈ ગઢવી
13 Comments