Press "Enter" to skip to content

Month: March 2009

તમે જિંદગી વાંચી છે ?

 
આજે જિંદગીના મર્મને રજૂ કરતી એક સુંદર રચના. જિંદગીની પુસ્તક સાથેની સરખામણી, અનુક્રમણિકા અને ભીતરમાં ભંડારેલ દુઃખના પ્રકરણો દરકે વ્યક્તિની કહાણી છે. સંબંધોના પોલાણને ફાટેલાં પાનાં સાથે સરખાવેલાં છે એ ઘણું બધું કહી જાય છે. કેટલાક પુસ્તકો અતિ પ્રિય હોય છે, એને વારંવાર વાંચીએ છીએ અને એક દિવસ એ પાનાં ફાટી જાય છે. નીકટના વ્યક્તિઓ જ્યારે એવી રીતે જતાં રહે તો કેવો આઘાત લાગતો હશે એની કલ્પના જ કરવી રહી. અને છેલ્લે આ કિતાબનો માલિક – ઈશ્વરની વાત કહીને રચનાને સુંદર અંત આપ્યો છે. શું ઈશ્વરને પણ પીડા હશે ? અને હોય તો શેની હશે ? જો કે કેટલાય પ્રશ્નો એવા હોય છે જે અનુત્તર રહેવા માટે જ સર્જાયેલા હોય છે… માણો આ સુંદર કૃતિને.

સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી.

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી.

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ…. તમે જિંદગી.

– મુકેશ જોષી

1 Comment

ચૈતર કોણે દીઠો રે લોલ


ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો. પહેલાં હોળીના સમયે મેળા ભરાતા અને તેવે વખતે યુવાનો એકમેકના હૈયાની પસંદગી કરતાં. એ વખતે પ્રેમના પૂરમાં તણાતાં હૈયાની અધિરાઈ કહેતું આ ગીત ઘણું કહી જાય છે. યુવાનીનો સમય ઝડપથી ચાલ્યો જાય છે. પ્રેમની મોસમ પણ આમ રાહ જોવામાં ક્યાંક જતી ન રહે. એથી કન્યા એની સખીને કહે છે કે આ ફાગણ તો ચાલ્યો .. ચૈત્ર તો ક્યારેય આવશે. મારું જોબન ઝોલાં ખાઈ રહ્યું છે. સાંભળો આ સુંદર ગીત સૌમિલ મુન્શી અને દિપાલી સોમૈયાના સ્વરમાં.
*
આલ્બમઃ હસ્તાક્ષર; સંગીતઃ ભાઈલાલભાઈ શાહ


ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી, હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા, ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી, ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા, બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

– ઉમાશંકર જોષી

Leave a Comment

પાગલ થાઉં તો સારું

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

– શેખાદમ આબુવાલા

Leave a Comment

વગડાનો શ્વાસ


આજે એક મજાનું પ્રકૃતિગીત. કહેવાય છે કે માણસ જ્યારે પ્રકૃતિના ખોળે હોય છે ત્યારે સૌથી સુખી હોય છે. જેમણે એક દિવસ પણ પ્રકૃતિના ખોળે ગુજાર્યો હશે તેને આ ગીતની રમ્ય કલ્પનાના રંગોમાં રંગાવાનું મન થઈ આવશે. પહાડોના હાડ, નાડીમાં નદીઓનાં નીર, છાતીમાં બુલબુલનો માળો એક અદભૂત સર્જનશીલતા અને પ્રકૃતિની સંવેદનશીલતાનો પરિચય આપે છે. કવિ શ્રી જયંત પાઠકની એક સુંદર રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં આજે સાંભળીએ.
*
સ્વર: દ્રવિતા ચોકસી; સંગીત: મેહુલ સુરતી

*
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

2 Comments

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું … મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું … મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

1 Comment

કહું કેમ મુજને


ચાહતના અનેક સ્વરૂપ છે. કોઈ વ્યક્તિને પરસ્પર રૂબરૂ મળ્યા ન હોઈએ તે છતાં તેને ચાહી શકાય, એના વિચારોમાં ખોવાઈ શકાય, એનું રાતદિવસ સ્મરણ કરી શકાય. ન મળ્યા છતાં સતત મળતા રહેવાની આ લાગણીનો પ્રતિઘોષ ક્યારેક તો સામી વ્યક્તિ પર પડે જ છે. એના હૃદયમાં પણ એ ભાવો કંપન જગવે છે. હૃદય પર હાથ મૂકીને તમે ક્યારેય એવું અનુભવ્યું છે કોઈને માટે ? તો આ ગઝલનો ધ્વનિ કદાચ બરાબર સમજી શકશો.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: અભિષેક

*
તારી હો વેદના તે સહન થઈ શકે ભલા,
એ વેદના જ નહોતી અમે જે ખમી ગયા;
આ સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.
– મરીઝ
*
કહું કેમ, મુજને ગમો છો તમે,
દિવસ રાત દિલમાં રમો છો તમે !

વિચારોમાં મારા સદાયે વસો,
છતાંયે કદી ક્યાં મળો છો તમે.

સ્મરણ બસ તમારું કરું રાત દિન,
નયનના ઝરુખે રહો છો તમે.

ગુન્હો ચાહવાનો કર્યો છે હવે,
સજા જોઇએ શું કરો છો તમે.

હૃદય પર મુકી હાથ સાચુ કહો,
કદી યાદ મુજને કરો છો તમે ?

– શિવકુમાર “સાઝ” (?)

4 Comments