Press "Enter" to skip to content

Month: February 2009

આંબાની ડાળ ક્યાં છે ?


બાળપણના દિવસો સોનેરી દિવસો અમથા નથી કહેવાતા. જેમ સોનું કદી પોતાની ચળક નથી ગુમાવતું અને જૂનું થાય તોપણ એટલું જ આકર્ષક રહે છે તેમ જ બચપણના દિવસો માનસપટ પરથી નથી ભૂંસાતા. અહીં એવા જ દિવસો ને એવા જ મિત્રો સાથે ગાળેલી પળોની યાદો મનને તરબતર કરે છે એથી કવિ કહે છે કે એ બધા ક્યાં ગયા ? શૈશવના ઢાળ, મુક્ત મનના મુક્કા, એ ગાળાગાળી એ બધું ક્યાં ગયું ? આપણે સૌ પણ ક્યાંક એવી જ કોઈ તલાશમાં નથી શું ?

ક્યાં છે એ વારતા કે સરવરની પાળ ક્યાં છે ?
પોપટ પૂછે બિચારો, ‘આંબાની ડાળ ક્યાં છે ?’

સાથે જ ઊડવાનું કહેનાર દોસ્તદારો,
ઢૂંઢું ગગન તમારાં, રે ! એની ભાળ ક્યાં છે ?

લપસી પડાય એવું તો ખૂબ છે અહીં પણ
લપસી શકાય એવા શૈશવના ઢાળ ક્યાં છે ?

મિત્રોની વાતમાં ’લ્યાં આ મોણ ક્યાંથી આવ્યું ?
એ મુક્ત મનના મુક્કા, એ મિષ્ટ ગાળ ક્યાં છે ?

તારા નગરના રસ્તા મારી સમજમાં ના’ વે,
ખુલ્લું એ આભ ક્યાં છે ? ખેતર વિશાળ ક્યાં છે ?

આ વાવ છે અવાવરું ને બંધિયાર જળ છે
ઝરણાપણું પિછાણું એવા ઉછાળ ક્યાં છે ?

– વિષ્ણુ પટેલ

6 Comments

કૈંક જડવું જોઇએ

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

2 Comments

લીલાનું થાશે મિલન આજ રાતે


હમણાં થોડા દિવસો પહેલાં જ 104 વર્ષની જૈફ વયે જન્નતનશીન થનાર સુપ્રસિદ્ધ ગુજરાતી શાયર આસીમ રાંદેરીની એક નજમ આજે માણીએ. પ્રેયસી સાથેના મિલનની પળને કવિઓએ વિવિધ રીતે વ્યક્ત કરી છે પણ આ કૃતિમાં એક અવનવા રોમાંસનો અનુભવ થાય છે. કલમથી આટલી સુંદર રીતે મિલનને કલ્પી શકનાર રાંદેરી સાહેબના વાસ્તવિક જીવનમાં લીલા નામે ખરેખર કોઈ પ્રેયસી હતી કે કેમ તે તો તેઓ જ જાણે પરંતુ એમણે પોતાની રચનાઓ વડે લીલાને અમરત્વ બક્ષ્યું એમાં કોઈ શક નથી. સાહિત્યસભાઓમાં લીલા .. લીલાની બૂમોથી જેમને વધાવાતા એવા રાંદેરી સાહેબની કૃતિને માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
સ્વર – મનહર ઉધાસ, આલ્બમ: આવાઝ

*
સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુપેરી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હતી કલ્પનામાં જે રાહતની દુનિયા,
મને જોવા મળશે એ રંગતની દુનિયા,
મુહોબ્બતની આંખો મુહોબ્બતની દુનિયા,
બની જાશે ઘર એક જન્નતની દુનિયા;
થશે હૂરનું આગમન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

જીવનને કહો આશ દિપક જલાવે,
હૃદય લાગણીઓના તોરણ બનાવે,
ઉમંગો શયનસેજ સુંદર બનાવે,
નયનનું છે એ કામ પાંપણ બિછાવે;
પધારે છે એ ગુલબદન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

વહે છે નસેનસમાં જેની મુહોબ્બત,
નયનમાં છે જેની સદા રમ્ય સૂરત,
હૃદય મારું છે જેની સંપૂર્ણ મિલકત,
કવનમાં છે જેની જવાનીની રંગત;
હું ગાઈશ એના કવન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું,
જૂદાઈમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેનાં વિચરતો રહ્યો છું,
કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એના સો સો જતન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવિતી સુણાવીશ એને,
કહું શું કે શું શું જણાવીશ એને;
થશે દિલથી દિલનું કથન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

કહો કોઈ ‘આસિમ’ને વીણા ઉઠાવે,
ગઝલ એક મીઠી મિલનની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે,
મુહોબ્બતનાં માદક તરંગે ચઢાવે,
એ પૂરું કરે છે વચન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

– આસિમ રાંદેરી

6 Comments

ગણી બતાવ


ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીના પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે….
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિન્તુ કેટલા પડદા, ગણી બતાવ.

– હરીશ્ચંદ્ર જોશી

1 Comment

સાયકલ મારી ચાલે


દોસ્તો આજે એક મજાનું બાળગીત. આપણે નાના હતા ત્યારે ક્યારેક ને ક્યારેક તો ત્રણ પૈંડાવાળી સાયકલમાં બેઠા જ હોઈશું, પછી ભલે એ આપણી હોય કે આપણા કોઈ મિત્રની હોય. વારા ફરતી વારો અને તારા પછી મારો કરીને પણ વારાફરતી બેઠા તો હોઈશું જ. તો એ દિવસોની સુનહરી યાદ અપાવતી એક મધુરી રચના.
*

*
સાયકલ મારી ચાલે એની ઘંટી ટનટન વાગે
સરસર સરસર ભાગે એની ઘંટી ટનટન વાગે

ત્રણ પૈંડા વાળી ને ગાદીવાળી સીટ
ફુલ ફાસ્ટ ભગાવું તોય નથી લાગતી બીક

હું ને ભાઈ મારો આખો દિ ફરવાના
નદીએ ફરવા જાશું સૌથી છાનામાનાં

સાયકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી
સરસર સરસર ભાગે જાણે એંજીન ગાડી

4 Comments

સાધો


આજે હરિશ મિનાશ્રુની એક સુંદર અર્થસભર રચના માણીએ. જ્યારે કંઈ ખબર ન પડતી હોય ત્યારે મૌન રાખવામાં શાણપણ હોય છે. તો જ્યારે બધું સમજાય ચુક્યું હોય, અનુભૂતિની સીમા પર પહોંચી ગયા હોઈએ ત્યારે વ્યર્થ શબ્દોનો બગાડ કરવાનું મન થતું નથી અને મૌન સહજ થઈ જાય છે.

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો,
કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો.

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને,
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો.

તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો.

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને.
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો.

સિતમનો હક બને છે એમનો શું થાય ? સ્નેહી છે.
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો.

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત,
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો.

– હરીશ મિનાશ્રુ

2 Comments