Press "Enter" to skip to content

Month: January 2009

નિર્ધનની સંવેદના


જેની પાસે દુન્યવી દૃષ્ટિએ કશું નથી એમ દેખાતું હોય એની પાસે સંવેદનાનો છલોછલ દરિયો હોય છે. સ્નેહરશ્મિની આ સુંદર કૃતિમાં એક નિર્ધનના હૈયાની વાત રજૂ થઈ છે. પોતાના પ્રિયને એ કહે છે કે કદાચ મારી પાસે સૌંદર્ય હોત તો હું તારા માર્ગમાં ન્યોછાવર કરતા, કદાચ સંપત્તિ હોત તો તેનાથી તારો માર્ગ ઉજાગર કરત. પરંતુ મારી પાસે તો માત્ર ચંદ કવિતારૂપી ધન છે, થોડાં સ્વપ્ન જ છે, એ જ તારા માર્ગમાં બિછાવું છું .. તો સંભાળીને ડગ ભરજે. એને ઠેસ ન પહોંચાડતો. માણો આ સુંદર કૃતિને.

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહલાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા!
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

– સ્નેહરશ્મિ

1 Comment

એનો અલ્લાબેલી


જેના ભાગ્યમાં જે લખાયેલું હોય છે તેને તે મળે છે, એમ આપણે કહેવાતું આવ્યું છે. જો નસીબમાં પ્રિતમના પ્રેમનો ધોધમાર દરિયો હોય તો એવો પ્રેમ રુમઝુમ પગલે આવીને વરસી પડે છે. પરંતુ જો હથેળીમાં ખાલી ઉની રેતી જ લખેલી હોય તો પછી ધોમધખતું રણ આવી મળે છે. એને પછી ઝંખનાઓને વહેતી રાખવાની બાકી રહે છે. જિંદગીની આ અજબ કશ્મકશને ગીતની આખરી પંક્તિઓમાં કેટલી કમનીયતાથી વર્ણવવામાં આવ્યું છે. અદભૂત રૂપકોથી મઘમઘ થતું આ ગીત આજે સાંભળીએ.
*
આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: સૌમિલ મુન્શી

*
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

– તુષાર શુકલ

2 Comments

હજી પણ ત્યાં જ ઊભો છું


આજે શોભિતભાઈની એક મજાની ગઝલ. સમય આગળ નીકળી જાય છે પણ ક્યારેક સ્મૃતિઓ મનને એવી રીતે ઝંઝોળે છે કે આપણે એમાં ખોવાઈને ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. એ સોનેરી સંબંધો, એ નાની નાની યાદો મનને ઘેરી વળે છે. ચણાયા કાકલૂદી પર .. એમાં ગઝલ શિખર પર હોય એમ લાગે છે. તો માણો આ સુંદર રચનાને.

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા
દીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

2 Comments

ઘડીયાળ મારું નાનું


દોસ્તો, આજે એક બાળગીત. નાના હતા ત્યારે ઘડીયાળમાંથી જે ટીક ટીકનો અવાજ આવતો તે કૂતુહલપ્રદ લાગતો. બાળપણની સોનેરી દુનિયાના અનેક પાત્રોમાં દિવાલ પર લટકતી ઘડીયાળનો અચૂક સમાવેશ થતો. તો આજે એના પર એક બાળગીત.
*

*
ઘડીયાળ મારું નાનું એ ચાલે છાનુંમાનું
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

એને માથે પાંખ પણ ચાલે ઝટપટ,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

ખાવાનું નહીં ભાવે પણ ચાવી આપ્યે ચાલે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

અંધારે અજવાળે સૌના વાતકને સંભાળે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

દિવસ રાત એ ચાલે પણ થાક નહીં લાગે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

કટ કટ કરતું બોલે જરાય નહીં થોભે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

ઘડીયાળ મારું નાનું ને ચાલે છાનુંમાનું,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

3 Comments

ચાલુ રહ્યો પ્રવાસ

અમારો ચાલુ રહ્યો પ્રવાસ !
ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ !

રણ જેવા આ મનમાં
લીલા વન શાં તમને સાથે લીધા,
તમે પાઓ છો તેથી તો
મેં છતે જાણતે મૃગજળ પીધાં.
હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ.

જે પગલાંમાં કેડી દેખી
દૂર દૂરની મજલ પલાણી;
પાછા વળનારાની પણ છે
એ જ નિશાની, આખર જાણી !
હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ !
અમારો ચાલુ રહ્યો પ્રવાસ !

– રઘુવીર ચૌધરી

Leave a Comment

ચાલ્યા કરીએ


પ્રેમમાં પડ્યા પછી પ્રેમીઓને દુનિયાની ફિકર નથી રહેતી. જો છાનાછપના પ્રેમ કરનારની લોકો બદનામી કરતા હોય તો આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ એમ કહીને કવિએ ખુબ સુંદર રીતે પ્રેમની ખુમારીને વ્યક્ત કરી છે. પ્રેમમાં ચકચૂર એવા પ્રેમી પંખીડાઓની મનોદશાનો ચિતાર આપતું આ સુંદર ગીત પુરુષોત્તમભાઈ અને હંસા દવેના સ્વરમાં.
*
આલ્બમ: ગુલમહોર

*
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

– હરીન્દ્ર દવે

1 Comment