Press "Enter" to skip to content

Month: January 2009

વણજારે ગાળેલી વાવ


ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ

આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમ રોમ જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ …

મેં જ મને કોઇ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઇ છે કે એક વણજારે ગાળેલી વાવ

– ધ્રુવ ભટ્ટ

1 Comment

શિવાજીનું હાલરડું


એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઈએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે. બે દિવસ અગાઉ આપણે કૈલાસ પંડિતે લખેલ રચના માણી હતી. આજે માણો ઝવેરચંદ મેઘાણી રચિત આ સુંદર રચના હેમુ ગઢવીના સ્વરમાં.
*

*
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ,
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત
માતાજીને મુખ જે દી’થી, ઊડી એની ઊંઘ તે દી’થી – શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ,
કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે – શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ,
રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા – શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર,
કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે – શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ,
તે દી’ તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની – શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય,
તે દી’ તો સિંદોરિયા થાપા, છાતી માથે ઝીલવા, બાપા ! – શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ,
તે દી’ તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે – શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર,
તે દી’ કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે – .શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ,
તે દી’ તારી વીરપથારી પાથરશે વીશભુજાળી – શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય,
તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા – શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ,
જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા
જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા ! – શિવાજીને…

– ઝવેરચંદ મેઘાણી

8 Comments

આવ તું


સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

– અંકિત ત્રિવેદી

2 Comments

દીકરો મારો લાડકવાયો

દુનિયામાં સૌથી વિશુદ્ધ પ્રેમ મા અને બાળકનો ગણાયો છે. પોતાના વ્હાલસોયા બાળકને સુવાડવા માટે મા જે હાલરડાં ગાય છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આજે માણો કૈલાશ પંડિતની એક અણમોલ રચના જેને મનહર ઉધાસનો કંઠ સાંપડ્યો છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે … દીકરો મારો

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે … દીકરો મારો

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે … દીકરો મારો

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે… દીકરો મારો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો

– કૈલાસ પંડિત

13 Comments

પડખે સરતા રહેજો

એકલું તમને લાગે ત્યારે યાદનો કાગળ લઇને એનું વહાણ બનાવી, વહાણમાં તરતા રહેજો
હલેસું પણ જાણે નહિ એ રીતના હળવા હાથથી પાણી કાપતા મારી પડખે સરતા રહેજો !

હમણા હમણા ઝાડવા ઉપર ખૂલતા પીળા રંગની સૂકી લાગણી ઝીલતી આંખ તમારી બળશે
ભર બપોરે વાયરા સાથે વાતો મારા નામનો હિસ્સો હાથથી વેગળી આંગળીઓને અડશે…
ફળિયે ઉભી ડાળથી ખરતાં પાંદડા જોઇ પાતળા કોમળ દેહની રગેરગ નીતરતા રહેજો

પરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફૂટે
લાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે
પ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો

– પ્રકાશ નાગર

1 Comment

ઝેર તો પીધા જાણી જાણી


જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*

*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

– મીરાંબાઈ

9 Comments