Press "Enter" to skip to content

Month: January 2009

શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો


સદીઓથી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ક્યારેક જગદગુરુ બનીને, ક્યારેક કંસ જેવા પાપીઓનો સંહાર કરીને, ક્યારેક રાધાના શ્યામ બનીને કે ક્યારેક સુદામાના મિત્ર બનીને પ્રેરણા ધરતા આવ્યા છે. સમય બદલાયો છે તેથી ભગવાન કૃષ્ણને યાદ કરવાના, પોકારવાના કે તેમની સાથે વાતચીત કરવાના માધ્યમમાં પરિવર્તન આવ્યું હશે પણ વાતોનો ભાવાર્થ અને પ્રાર્થનાની અનુભૂતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. SMSના યુગને પ્રતિબિંબિત કરતું એક મધુરું કૃષ્ણગીત આજે માણીએ.

SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે, મોરલી મોબાઇલ જેવી રાખો.

સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ ! હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, અને માખણને ફેટ ફ્રી રાખો … SMS કરવાનું

વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર, વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુને અટકાવો શ્યામ ! હવે મેકઅપને મોભામાં રાખો … SMS કરવાનું

ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો કે મનમાંથી કાટમાળ કાઢે,
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે, તેની ભોળી કોઇ ભાળ હવે રાખો … SMS કરવાનું

SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે, મોરલી મોબાઇલ જેવી રાખો.

– ભાગ્યેશ ઝા

4 Comments

આપણા બેના મનમાં


પ્રેમની વાત અનોખી છે. પ્રેમ કોઈ ઉંમરનો, નાત-જાત કે કોઈ ધર્મનો મોહતાજ નથી હોતો. નથી એને મૌસમ સાથે કોઈ લેવા દેવા. કારણ પ્રેમ પોતે જ એક મૌસમ થઈને આવે છે. પ્રેમમાં પડેલાઓને એ ફિકર નથી હોતી કે લોકો શું કહેશે. પ્રેમની દિવાનગી અને ગહેરાઈ દર્શાવતી આ સુંદર ગઝલ આજે સાંભળીએ.
*
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: અભિષેક]

*
આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતા’તા,
કેવા નીચા લોક હતા જે ઊંચી વાતો કરતા’તા.

યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા,
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસ તો એક જ ભરતા’તા.

મોત આવ્યું તો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની,
આપણે બંને મરી જવાનું નાટક કેવું કરતા’તા.

આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા,
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતા’તા.

આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં,
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા.

આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના,
આપણે તો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતા’તા.

– ?

2 Comments

પંખી


આજે રાવજી પટેલની એક સુંદર રચના જેમાં એક પંખીની વાત કરી છે. પરંતુ આ બે પાંખ અને બે આંખવાળું સામાન્ય પંખી નથી પરંતુ મારા ને તમારા વિચારોના વૃક્ષમાં અટવાતા, પ્રિયજનના ચહેરા પર મલકાતાં તથા રાત વેરણ બની જતાં મનના આંબાની ડાળે ટહુકાતા મનપંખીની વાત છે. અંતિમ પંક્તિમાં શ્વાસોની આવનજાવનને પંખીની સજીવતા સાથે સરખાવી કવિએ જીવંતતાનો કેટલો મધુરો અહેસાસ કરાવ્યો છે!

કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું;તું મનમાં.
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુકયા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

1 Comment

સમય મારો સાધજે વ્હાલા


મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.
*

*
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

– સંત ‘પુનીત’

10 Comments

એ કેવી સજા છે ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું એ કેવી મોટી સજા છે ? અંતિમ પંક્તિઓમાં એવી જ કોઈ તરસનું ન જાગવું રૂપકો દ્વારા વ્યક્ત થયું છે.

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

ઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ


આજે ઉત્તરાયણ. બધા ગુજરાતીઓ, ખાસ કરીને સુરતીઓ માટે મોટામાં મોટો ઉત્સવ. આપણે ત્યાં જે ભાતભાતના ઉત્સવો ઉજવાય છે તેમાં ઉત્તરાયણ બધા કરતાં અલગ તરી આવે છે. કારણ આજે લોકો સામાન્ય રીતે આગળ-પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતાં થાય છે. વરસના ત્રણસો ચોસઠ દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવ પણ આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને રસથી નિહાળે છે. આબાલવૃદ્ધ સૌકોઈને રંગે રંગી દેનાર આ તહેવાર વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ ધરાવે છે કારણ આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે. એને કારણે પવનની દિશામાં પરિવર્તન આવે છે. શિયાળાની કાતિલ ઠંડી આજથી ઘટવાની શરૂઆત થાય છે.
અમેરિકાના ઘરોમાં ન તો ધાબાં હોય, ન લોકોને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન તો સડસડાટ પતંગો ચગાવી શકાય એવું વેધર હોય તો પછી સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં રંગીન પતંગો ક્યાંથી આવવાની ?  એટલે આજે ભાઈએ ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું ….

આમંત્રણ

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
હાલ ખંભાત નિવાસી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિ. પતંગના શુભલગ્ન
હાલ સુરત નિવાસી
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
ચિ. દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2009 ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.
તો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા 
સગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.

તા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે !

તો કહો હવે કોને અગાશીમાં જવાનું મન ન થાય ?
Happy Uttarayan to all our readers !

1 Comment