Press "Enter" to skip to content

Month: December 2008

વિસ્તાર શબ્દનો

પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો
ઇશ્વરના દેહ જેટલો જ છે વિસ્તાર શબ્દનો

એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં
જે નીકળે છે, એ તો છે વ્યવહાર શબ્દનો

એને નહીં નડે પછી અર્થોનું આવરણ
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો

તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યકત થઇ જશે
જીરવી નહીં શકે જો હૃદય ભાર શબ્દનો

એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો

આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો

– લાભશંકર દવે

2 Comments

ઊંચી મેડી તે મારા સંતની રે


*
સ્વર – હંસા દવે

*
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

10 Comments

પૂજારી પાછો જા


માનવ તરીકે આપણે ઈશ્વરને આપણી સંવેદનાઓ ધરતા રહીએ છીએ. પરંતુ કદી વિચાર કર્યો છે કે મંદિરમાં કેદ થયેલ એ ઈશ્વરને કેવી લાગણીઓ થાય છે, કેવા ભાવો અને વિચારો આવે છે ? શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણીની પ્રસ્તુત કૃતિમાં એ બહુ સુંદર રીતે આલેખાયા છે. પરંપરાગત પૂજા, આરતી અને ઘંટારવોથી ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે એ માન્યતાનું કોમળ ખંડન અને ખરો પૂજારી તો પરિશ્રમ કરતો, બીજા માટે પરસેવા રેલતો મજૂર કે ખેડૂત છે એવું પ્રતિપાદિત કરાયું છે.

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમનું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

– કૃષ્ણલાલ શ્રીધરાણી

1 Comment

એકવાર શ્યામ તારી મોરલી


કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યાર પછી ગોપીઓની હાલત કફોડી થઈ ગઈ. કૃષ્ણના વિરહમાં દિવસો પસાર કરવા કપરા થઈ પડ્યા. પ્રસ્તુત ગીતમાં ગોપી કૃષ્ણને ગોકુળમાં આવવા વિનવે છે. જે વાંસળીના સૂરે એમના મન મોહી લીધેલા અને કાળજાને કામણ કરેલા એ સૂર ફરી એક વાર રેલાવવા આજીજી કરે છે. હંસા દવેના સ્વરમાં સાંભળો આ વિરહી ગોપીનું મધુરું ગીત.
*
સ્વર – હંસા દવે, સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય; આલ્બમ: ગુલમહોર

*
એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

ભર તું બપ્પોર મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.
એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

– મહેશ દવે

3 Comments

પાર્થને કહો ચડાવે બાણ

કુરુક્ષેત્રની મધ્યમાં સ્વજન અને હિતેચ્છુઓને જોઈને પાર્થની દ્વિધાનો અંત લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પાંડવો યુદ્ધ વાંચ્છતા ન હતા. પરંતુ જ્યારે વિષ્ટિ-વિનવણીથી વાત ન પતી ત્યારે આખરી ઉપાય તરીકે તેમને યુદ્ધમાં ઉતરવું પડ્યું. કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું એ એટલું જ સાર્થક નથી લાગતું ? સરહદ પારના આતંકને ક્યાં સુધી મુંગે મોઢે સહન કરવો ?

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

– મહાકવિ નાનાલાલ

4 Comments

ભૂલી ગયા મને


પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની સુંદર રચના.
*
સ્વર – મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલ, આલ્બમ: આભૂષણ

*
ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત

5 Comments