આજે શૂન્ય પાલનપુરીની એક ઈનામ વિજેતા કૃતિ. ભારત પર પાકિસ્તાને જ્યારે આક્રમણ કરેલું ત્યારે તેમણે રચેલી આ રચના ગુજરાતી ભાષાના જૂજ શૌર્યગીતોમાં ચમકે છે. ભલે આજકાલ યુદ્ધ બહારથી દેખાતું નથી પણ અંદરથી તો એવું જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને સ્વાર્થનું રાજકારણ દેશને ખલાસ કરી રહ્યું છે ત્યારે કોઈ આ વાંચીને પોતાના દર્પણમાં ઝાંખશે ?
[આજથી પંદરેક વરસ પહેલાં પાલનપુરથી ‘શૂન્યનો વૈભવ’ પુસ્તક ખરીદેલું. એમાં શૂન્યના જીવનભરના કવનનું સંકલન છે. એક વાર કોઈને વાંચવા આપતા ખોવાયું તો બીજી વાર ખરીદ્યું અને અમેરિકા પહેલીવાર આવ્યો ત્યારે વજનની મારામારીમાં કોમ્પ્યુટરના પુસ્તકો કાઢીને બેગમાં ભરેલું. ગઝલો સાથે મારો પહેલો ઘરોબો કરાવનાર શૂન્યના વૈભવમાંથી આજની કૃતિ પ્રસ્તુત કરી છે.]
માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.
શિર ઉપર આફત ખડી છે, એની મુજને જાણ છે,
મોતની હાકલ પડી છે, એની મુજને જાણ છે,
જાન દેવાની ઘડી છે, એની મુજને જાણ છે.
પૃથ્વીરાજો આ સમે ચોપાટમાં ગુલતાન છે,
ચંદ બારોટોને કેવળ દુર્દશાનું ભાન છે.
દ્રૌપદીનાં વસ્ત્ર પર છે એક દુઃશાસનનો હાથ,
મૂછ ઉપર તાવ દઈને દુર્યોધન પૂરે છે સાથ,
કાંધિયા ગર્વિષ્ઠ થઈને આગથી ભીડે છે બાથ.
હોઠ મરકે છે શકુનિના કે બેડો પાર છે,
ભીષ્મ જેવો હિમગિરિ પણ શું કરે લાચાર છે.
પાંડવો કાયર બનીને દૃશ્ય આ જોતા રહે
માનહીણા થઈને ઘરની આબરુ ખોતા રહે,
દીન વદને ભાગ્ય કેરા રોદણાં રોતા રહે.
હાથ જોડી કૃષ્ણ પર કરવી કૃપા કાજે નજર,
એ તમાચો છે ખરેખર સંસ્કૃતિના ગાલ પર.
ક્યાં ગયા એ ગાંડિવો ને એ ગદાઓ ક્યાં ગઈ ?
કાળજાં કંપાવતી રણગર્જનાઓ ક્યાં ગઈ ?
શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ ?
આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની !
ગીધ ના ભરખે ભુજાઓ આબરુ હરનારની !
શૌર્યપ્રેરક ગીત મારે આ સમે ગાવાં પડે,
ધર્મભીરુ કાયરોને જે થકી પાનો ચડે,
જીવતાં મડદાંઓ બેઠાં થઈને મેદાને લડે.
શબ્દથી જાગે તો એવી જાગૃતિ શા કામની ?
ક્રૂર હાંસી થઈ રહી છે મર્દ કેરા નામની.
હું નહીં ગાઈ શકું ઓ સાથીઓ મજબૂર છું,
વેર જ્વાળામાં બળું છું વેદનામાં ચૂર છું,
લૂછવા આંસુ કકળતી માતનાં આતુર છું.
ગીત સુણવા હોય તો સંગ્રામ જીતી આવજો,
મરશિયાં ગાવા શહીદોનાં મને બોલાવજો.
માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.
– શૂન્ય પાલનપુરી
5 Comments