Press "Enter" to skip to content

Month: August 2008

તને મારા સોગંદ


હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
*

*
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

7 Comments

ક્યાં ગયા ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આજે જનમાષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય અને અધર્મનો વ્યાપ વધી જાય ત્યારે પોતે ધર્મની સ્થાપના અને સજ્જનોના પરિત્રાણ માટે જન્મ લેશે. પણ આજે જગતમાં દુઃખ, દર્દ, પીડા ને પરિતાપો વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મૌન થઈ મોહક સ્મિત કરતા ભગવાનને સહજ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે ક્યાં ગયા ?
*

*
શબ્દના સંસ્પર્શથી ઝંકૃત કર્યા પ્રેમી હૃદય,
મૌન શાને અસ્ખલિત આનંદ દેનારા ?
શબ્દથી સંમોહિની સૌનેય કરનારા ને
ને શબ્દની સંજીવની સૌનેય ધરનારા.

સાંભળેલું જ્ઞાન દેતા કૈંક આદિ ગ્રંથનું,
ક્યાં ગયા ઓ ગ્રંથને પણ જ્ઞાન દેનારા ?

મૂર્તિઓ પાષાણ દઈ ગઈ ઈશ્વરીય ઝાંખી,
ક્યાં ગયા ઓ ઈશ્વરોને ઝાંખી દેનારા ?

સ્પર્શ પામી લોહ જેના સ્વર્ણમાં પલટાય છે,
ક્યાં ગયા પારસમણિને જન્મ દેનારા ?

ઝળહળાં રોશન કરી મૂકે જગત અંધાર જે,
ક્યાં ગયા ઉદગમ પ્રકાશોનેય ધરનારા ?

પ્રાણહીન કંગાલ ભારત દુઃશાસનોના હાથમાં,
ક્યાં ગયા ઓ દ્રૌપદીના ચિર પૂરનારા ?

છે છલોછલ વેદના વિરહી જીગરના બાગમાં,
ક્યાં ગયા ઓ પ્રેમનું અમૃત પીરસનારા ?

 – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

ત્યાં જ ઉભો છું

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા
દીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

– શોભિત દેસાઈ

2 Comments

છેલાજી રે

આજે સૌને ગમતું ગીત મૂકું છું. આ ગીત સાંભળ્યું ના હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. ગીતમાં પ્રેમની અભિવ્યક્તિ માટે પરણેતર પોતાના પિયુને પાટણથી પટોળાં લાવવાનું કહે છે. કદાચ તે સમયે તે ખૂબ મોંઘા હશે અને પહેરવેશ તથા શૃંગારની દુનિયાનું નજરાણું હશે. તો ચાલો માણીએ અવિનાશભાઈની અસંખ્ય અમર કૃતિઓમાંની આ એકને.
*
સ્વર: સોનાલી બાજપાઇ; આલ્બમ: તારી આંખનો અફીણી

*
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….

– અવિનાશ વ્યાસ

નોંધ – પાટણના પટોળાં એ ગુજરાતની આગવી અને સદીઓ જૂની હસ્તકલા છે. આજથી લગભગ આઠસો-નવસો વરસ પહેલાં રાજા કુમારપાળ સોલંકીના સમયમાં એ એની બુલંદીઓ પર હતી. સમય જતાં એ કલા લગભગ નષ્ટ થઈ ગઈ. આજે જૂજ કારીગરો અને કેટલીક સંસ્થાઓ દ્વારા એને જીવતી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાટણનાં પટોળાં વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.

5 Comments

દિલની જબાનમાં

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા !
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.

કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.

એનો હિસાબ થાશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં.

– મરીઝ

2 Comments

જોયાં કરું છું તને


મનહર ઉધાસના કંઠે શોભતી કૈલાશ પંડીતની એક સુંદર રચના. ખુબ સરળ સાદા શબ્દો પણ વારંવાર વાગોળવાનું મન થાય એવી કૃતિ. ખાસ કરીને છેલ્લી બે પંક્તિઓમાં એકલતાના દિવસો અને મૃત્યુની વાસ્તવિકતા ચોટ વાગે એવી રીતે રજૂ થઈ છે.
*
સ્વર – મનહર ઉધાસ

*
સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના

દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના

જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના

– કૈલાશ પંડીત

5 Comments