સૌ વાચક મિત્રોને ઈશુના નવા વર્ષની શુભકામનાઓ.
*
ભૂલ જો સમજાય તો એને સુધારી રાખજે,
**હોય જે સારા, દશા એનીય સારી રાખજે.
ચાર દિનની હું તને આપું છું મહેતલ, ઓ પ્રભુ,
તારે શું કરવું છે એ જલદી વિચારી રાખજે.
પાપ-પુણ્યોના તું અઘરાં દાખલા પૂછ્યા કરે,
ચેક કરવામાં હવે થોડી ઉદારી રાખજે.
ભૂલથી સંવેદનાની વાત તો કરતો જ નહીં,
મેં કીધું’તું ફૂલદાનીમાંય બારી રાખજે.
સુખ દુઃખ સરખાં ન આપે તો મનાવી લઈશ મન,
પણ કૃપા હર હાલમાં તું એકધારી રાખજે.
બાણશૈયા પર સૂવાનું નામ છે આ જિંદગી,
શૈષશૈયા પર કદી મારી પથારી રાખજે.
જીવતરની જાતરાનો કર અહીં પૂરો હિસાબ,
હું નથી કહેતો કે તું થોડી ઉધારી રાખજે.
વાર ના લાગે થતાં કલિયુગમાં રાધાનું રમણ,
તું સદા તારું સ્વરૂપ બાંકેબિહારી રાખજે.
તું તો જાણે છે કે ‘ચાતક’ જીવતો વિશ્વાસ પર,
તારું ચાલે તો બધી આશા ઠગારી રાખજે,
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** પુણ્યસ્મરણ – બરકત વિરાણી ‘બેફામ’
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.
*
[Above: Painting by Donald Zolan]
“પાપ-પુણ્યોના તું અઘરાં દાખલા પૂછ્યા કરે,
ચેક કરવામાં હવે થોડી ઉદારી રાખજે.”
અફલાતૂન!
🙂 .. આભાર
વાહ, સુંદર રચના !
ભૂલ જો સમજાય તો એને સુધારી રાખજે ,
**હોય જે સારા, દશા એનીયે સારી રાખજે !
🙂 Thank you