[Painting by Donald Zolan]
*
પછી વરદાનમાં બીજું કશું માગી શક્યો છું ક્યાં!
તને ચાહ્યા પછી હું કોઈને ચાહી શક્યો છું ક્યાં!
નજર ટકરાઈ એ ક્ષણથી જ હું દિગ્મૂઢ બેઠો છું,
હજી હું આંગળા આશ્ચર્યથી ચાવી શક્યો છું ક્યાં!
ગયો ગંગાતટે પણ આચમન કે સ્નાન ના કીધું,
તને સ્પર્શ્યા પછી કોઈ ચીજથી નાહી શક્યો છું ક્યાં!
દીવાના અગણિત અહેસાનની નીચે દબાયો છું,
હવાનો હાથ ઝાલી બે કદમ ચાલી શક્યો છું ક્યાં!
હવે પુરુષાર્થ કરતાં ભાગ્ય પર ઝાઝો ભરોસો છે,
હથેળીમાં લખ્યું એથી વધુ પામી શક્યો છું ક્યાં !
ઉઘાડાં બારણાં હોવા જ કૈં પૂરતું નથી હોતું,
વિના સ્વાગત હું મારે ઘેર પણ આવી શક્યો છું ક્યાં!
સમયસર આપ આવ્યા તો થયો અફસોસ ‘ચાતક’ને,
તરસના સ્વાદને હું મનભરી માણી શક્યો છું ક્યાં!
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર મર્માળી ગઝલ સલામ મારા દોસ્ત
કિશોરભાઈ,
આપનો ખુબ ખુબ આભાર.
મર્માળી ગઝલ સલામ દોસ્ત
ગુજરાતી ભાષાનાં સવાયા શબ્દોની સુવાંળી કલમ એટલે દક્ષેશસર આપની કલમ……
આયાશ વિના સહજ રીતે જ અણમોલ શબ્દો અવતરતા હોય એવું લાગે છે. હુ ગુજરાતી ભાષાપ્રેમી અને ભાવકરૂપે.. કહી શકું કે અત્યાર સુધી વર્તમાન ગુજરાતી ભાષાકવિઓમાં મને કવિશ્રી અંકિત ત્રિવેદીનાં શબ્દોની ગુંથણી ખુબ ગમે છે પણ આપની રચનાઓનાં ભાવક બન્યાં પછી આ રચનાઓ મને સવિશેષ પ્રિય થઈ પડી છે. આપની ભાષાસમ્રુદ્ધિ અને ભાષાપ્રયોગની પ્રાસનીય સાહજિક ચમત્કૃતિની ચાહક છું. આપની રચનાઓમાં આપને વિશેષરૂપથી પસંદીત રચના જણાવવા નમ્ર વિનંતી છે. વધુમાં આપના પ્રકાશિત પુસ્તકસંગ્રહને જલ્દીથી મળવાની ઈચ્છા છે. અધ્યાત્મ જગત પ્રત્યેની આપની રૂચિનાં લીધે મને મનગમતી સ્વર્ગારોહણ વેબસાઈટ ભેટમાં મળી.. અપ્રત્યક્ષરૂપે આપે મારી ખુબ મદદ કરી છે…આપની ખુબ ખુબ આભારી.
કાજલબેન,
આપને મારી રચનાઓ પસંદ આવી એ મારા માટે આનંદની વાત છે. આપના સાહિત્યપ્રેમ અને ગુજરાતી ભાષા પ્રત્યેના ભાવ આગળ નતમસ્તક છું.
પ્રશસ્તિ માટે શબ્દો ટૂંકા પડે!
ખુબ ખુબ આભાર હિતેશભાઈ.