(A Painting by Donald Zolan)
*
ખુશીના કૈં પ્રસંગોમાં મુસીબત યાદ આવે છે,
ખુશીને પામવા ચુકવેલ કીમત યાદ આવે છે.
વ્યથાની ખાનદાની કે છળે ના કોઈને સ્મિતથી,
ખુશીની સાથ આંસુઓની સોબત યાદ આવે છે.
હતી મુફલીસ દશા તોયે છલકતાં આંખમાં સપનાં,
ખુદા, તારી દિલેરી ને એ રહેમત યાદ આવે છે.
તણખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવવા,
કરેલી આપણે શ્વાસોની જહેમત, યાદ આવે છે.
કોઈને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા,
તમારું ભૂલવાનું પણ ગનીમત, યાદ આવે છે.
પ્રસંગોપાત ઠોકર વાગશે તમનેય રસ્તામાં,
પ્રસંગોપાત અમને પણ મુહબ્બત યાદ આવે છે.
મિલનની શક્યતાના બારણાંઓ બંધ છે ‘ચાતક’,
જડેલી હસ્તરેખાઓમાં કિસ્મત યાદ આવે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Very nice poem
મજાની ગઝલ…… સરસ રદીફ…
[…] મુસીબત યાદ આવે છે […]
Khub saras