(A Painting by Donald Zolan)
હતા જે આંખમાં, એ કંકુ પગલે દ્વારમાં આવ્યા !
ખુબી તો એ કે સપનામાંય એ શણગારમાં આવ્યા !
નશો કરવાની હાલતમાં હતા ક્યાં મારા ઝળઝળિયાં ?
અને એ સામે ચાલી પાંપણોના બારમાં આવ્યા !
હતા જે સાથિયા ઉમંગના બે-ચાર હૈયામાં,
એ રઘવાયા બનેલા શ્વાસના સત્કારમાં આવ્યા !
મને જ્યાં ઊંઘ પણ થીજી ગયેલું સ્વપ્ન લાગે ત્યાં,
એ સૂક્કાં ને સળગતાં હોઠ લઈ ચિક્કારમાં આવ્યા !
અનાદિકાળથી એની તરસ પણ રાહ જોતી’તી,
એ સ્પર્શો ખુદ હથેળીની મુલાયમ કારમાં આવ્યા !
બધાયે મંત્ર-આસન-સાધના જૂઠી ઠરી પળમાં,
બધાયે ઓમકારો ત્યાં ફકત ઉંહકારમાં આવ્યા !
ગઝલ તો એક બહાનું એમને ‘ચાતક’ અડકવાનું,
ખરું પૂછો તો મારાં ટેરવાં આભારમાં આવ્યા !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Wah Daxeshbhai