સૂરજ તપે છે કેટલો ! ગરમી ઘણી હશે,
નક્કી એ નબળી બાઈનો શૂરો ધણી હશે.
સૌંદર્ય જોઈ રાતનું શંકા એ થાય છે,
સંધ્યાએ શું શું ખાઈને એને જણી હશે ?
તડકો ને છાંયડી રહે એક જ મકાનમાં,
ઊંચી દિવાલ એમણે ઘરમાં ચણી હશે ?
સુંદરતા, સાદગી, અને શાલીનતા, જુઓ !
કેવી નિશાળે ચાંદની જઈને ભણી હશે ?
વ્હેલી સવારે ઓસની બૂંદોને જોઈ થ્યું,
ફૂલોની આંખમાં પડી કોઈ કણી હશે ?
ઉડ્યા કરે છે એ મુઆ, ઠરતાં નથી કશે,
કોણે ભ્રમરની પૂંઠ પર ચુંટલી ખણી હશે ?
‘ચાતક’ ખયાલ રાખજો સપનાંનો ઊંઘમાં,
એણે નયનમાં આવવા રાતો ગણી હશે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ઉડ્યા કરે છે એ મુઆ, ઠરતાં નથી કશે,
કોણે ભ્રમરની પૂંઠ પર ચુંટલી ખણી હશે ?….. વાહ સરસ ચૂંટી ખાણી છે… મજા આવી
વાહ…કેવો શુરો ધણી….કેવી નિશાળમાં ચાંદની ભણી હશે? ઓહો…લાજવાબ.
મક્તા સાથે ચોથો શે’ર અત્યંત ઋજુ ને ઉમદા શે’ર
Wah Daxeshbhai ji hello