મિતીક્ષા.કોમના સૌ વાચકમિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.
*
હકીકતને હોવાની ભ્રમણામાં રાખો,
બધી કલ્પનાઓને શમણાંમાં રાખો.
ઈડા પિંગલાની રમત રાતદિન છે,
કદી શ્વાસને પણ સુષુમ્ણામાં રાખો.
જે બેઠા છે એને અચલ બેસવા દો,
તમીજ એટલી તો ઉઠમણામાં રાખો.
ભલે હોય અંધાર ચારે તરફ પણ,
શ્રદ્ધાની બારી ઉગમણામાં રાખો.
ને સુખ જિંદગીમાં છલકતું હો ત્યારે
નજર આવનારી વિટમણામાં રાખો.
તમે બુદ્ધ બનવાને નીકળ્યા છો ‘ચાતક’,
પછી ધ્યાન શા માટે શ્રમણામાં રાખો ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
* સુષુમ્ણા – સુષમણા, યોગશાસ્ત્ર પ્રમાણે ત્રણ માંહેની વચલી પ્રધાન નાડી; નાકની વાટે નીકળતો શ્વાસ ડાબો જમણો ન જતાં સમાન ચાલ્યો જતો હોય તે નાડી
* વિટમણા – વિટંબણા, મુશ્કેલી
* શ્રમણા – સંન્યાસિની, પરિવ્રાજિકા, બૌદ્ધ ભિખ્ખુણી કે સાધ્વી
નૂતન વર્ષાભિનંદન.
ભલે હોય અંધાર ચારે તરફ પણ,
શ્રદ્ધાની બારી ઉગમણામાં રાખો….. વાહ કવિ.. અનોખુ
અર્થપૂર્ણ ગઝલ.. !!
Thank you Ashokbhai
“ઈડા પિંગલાની રમત રાતદિન છે,
કદી શ્વાસને પણ સુષુમ્ણામાં રાખો”
-વાહ ખુબ જ સરસ! દરેક શેર……
Thank you for your appreciation