એક પારેવાથી જો ઉડી શકાયું હોત તો,
પત્રથી હૈયા સુધી પહોંચી શકાયું હોત તો.
માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું,
આંસુનું પરબીડિયું નાખી શકાયું હોત તો.
મહેકને રસ્તાની વચ્ચે આંતરીને બે ઘડી,
ફૂલનું સરનામું જો પૂછી શકાયું હોત તો.
જિંદગી જીવી જવાનું કૈંક તો બ્હાનું મળત,
સ્વપ્નને અભરાઈ પર મૂકી શકાયું હોત તો.
આપણાં હોવાપણાંની વારતાનું શું થતે ?
એક પરપોટાથી જો ડૂબી શકાયું હોત તો.
જાત બાળી એનો ‘ચાતક’ વસવસો રહેતે નહીં,
થોડું અજવાળું ઘરે લાવી શકાયું હોત તો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Very nice…!
સરસ
વાહ ! નાજુક-નમણી અને સંવેદનાથી ભરપૂર ગઝલ!
મહેકને રસ્તાની વચ્ચે આંતરીને બે ઘડી,
ફૂલનું સરનામું જો પૂછી શકાયું હોત તો.
Thank you Rakeshbhai.
માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું,
આંસુનું પરબીડિયું નાખી શકાયું હોત તો…. વાહ
આ ઉપરાંત પાંચમો શે’ર પણ ખૂબ ગમ્યો.. જો કે સરવાળે આખી ગઝલ માણી શકાય એવી થઈ છે..
Thank you Ashokbhai ..:)
સરસ ગઝલ. શક્યતાની માત્ર ધારણા જ કરી શકાય, નિવારી ના શકાય.
🙂
શકતું હોય તો – રદીફ મેં વર્ષો પહેલાં વાપરેલી તેની સ્મૃિત પાછી થઈ. આભાર આપનો. તે ગઝલ કોલકતાથી પ્રકટ થતા કાવ્યકેસૂડાંના વાર્ષિક અંકમાં પ્રકટ થયેલી. તેનો આસ્વાદ સ્વ. કવિશ્રી જગદીશ જોશીએ કરાવેલો. તેવી જ સક્ષમ ગઝલ વાંચતા આનંદ.
અભિનંદન કવિશ્રી દક્ષેશભાઈને.
કિશોરભાઈ,
આપને ગઝલ ગમી તેનો આનંદ.
આપે જણાવેલી આપની -શકતું હોય તો- રદિફવાળી ગઝલ અહીં કોમેન્ટમાં મુકી હોત તો વધુ આનંદ થાત.
કુશળ હશો.