[Painting by Donald Zolan]
બંધ બારીને ક્ષણોથી તાકવા બેઠા છીએ,
એકબીજાની તરસને માપવા બેઠા છીએ.
ભાગ્ય ઊંધું છે ને છત્તું પાડવા બેઠા છીએ,
લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ.
પંથ પર પગલાં ભર્યેથી હાથ આવે મંઝિલો,
આપણે રસ્તાની વચ્ચે હાંફવા બેઠા છીએ.
મખમલી સંબંધના મોંઘા મુલાયમ વસ્ત્રને,
સોય શંકાની લઈને સાંધવા બેઠા છીએ.
માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા,
આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ.
જિંદગી ‘ચાતક’ બરફની ભીંત જેવી છે હવે,
શ્વાસના સૂરજ થકી પિગળાવવા બેઠા છીએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મખમલી સંબંધના મોંઘા મુલાયમ વસ્ત્રને,
સોય શંકાની લઈને સાંધવા બેઠા છીએ….સુંદર કટાક્ષ….
આખી ગઝલ ગમી…
Thank you !
મત્તું મારવા બેઠા છીએ. સુંદર શે’ર. અાખી ગઝલ લાજવાબ,જનાબ.
Thank you !