સૌ મિત્રોને જનમાષ્ટમીની મોડી પણ મોળી નહીં એવી શુભેચ્છાઓ ..
બાકી જગતમાં સૌને સુખની લહાણ છે,
મારા જ ભાગ્યમાં પ્રભુ પીડાપુરાણ છે ?
તારા લખેલ લેખથી કરતા રહીએ કર્મ,
તોયે અમારા સ્વપ્ન જો, લોહીલુહાણ છે.
ભૂલી ગયા જો હોય તો તાકીદ ફરી કરું,
તારા ભરોસે ચાલતા મારા વહાણ છે.
બાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ શ્લોક છે,
મારે તો માના ચરણમાં આઠે પુરાણ છે.
પૂરા થશે બધાં પછી લીલાલહેર છે,
આ શ્વાસ છે ને ત્યાં લગી સૌ ખેંચતાણ છે.
‘ચાતક’ જીવનના મર્ઝનો કોઈ ઈલાજ ક્યાં,
આંસુનાં બે જ ઘૂંટડાઓ રામબાણ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
જુદા જ મિજાજમાં કહેવાયેલી ગઝલ. નખશિખ સુંદર ગઝલ. દરેક શે’ર એકએકથી ચડિયાતા થયા છે.મારા દિલી અભિનંદન ,સાહેબ.
કિશોરભાઈ,
તમને ગઝલ પસંદ આવી એનો આનંદ છે … પ્રોત્સાહન બદલ આભાર.
કેમ મિત્ર..!! આવી ઉદાસીનતાની ગઝલ ?! ‘આનંદ-મિત્ર’ને આવું શોભે ?
ગઝલ ખૂબ સરસ થઈ છે પણ આ મૂડ ના ગમ્યો.. હા.. બધાથી જુદો તારી આવતો આ શે’ર ગમ્યો..
બાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ શ્લોક છે,
મારે તો માના ચરણમાં આઠે પુરાણ છે. … વાહ !!
ચાતક ને તો જે સમઝ માં આવ્યું લખી નાખ્યું પરંતુ આપનો જવાબ મુલ્યવાન થઇ ગયું
આનદ મિત્રને આવું શોભે ?
નાં જરાએ ના શોભે.
બાકી ચાતક ને જણાવવાનું કે બાઈબલ ગીતા અને કુરઆન અર્ધા સ્વ્લોક હોય તો માતા ચરણમાં એક ભી પુરાણ ન હોય
અબ્દુલભાઈ,
બાઈબલ, ગીતા કે કુરઆન રચનાર વ્યક્તિએ પણ માતાના ગર્ભમાંથી જ જન્મ લેવો પડે છે … માતાનો મહિમા બતાવવાની કોશિશ છે. એમાં કોઈ ધર્મગ્રંથને ઓછા કે નીચા બતાવવાનો ભાવ નથી … આપને ન ગમ્યું એ બદલ દિલગીર છું.
અશોકભાઈ,
ગઝલનો પ્રધાન સૂર એક મીઠી ફરિયાદ છે, ઉદાસીનતા નથી … ઈશ્વર સાથેના સંવાદમાં વ્યક્તિ પોતાના મનોભાવોને મોકળાશથી વ્યક્ત કરી શકે .. 🙂