મુઠ્ઠીમાં બાંધેલા સહુ અરમાન નીકળી જાય છે,
શહેરનો રસ્તો લેવામાં ગામ નીકળી જાય છે.
ટ્રાફિક સિગ્નલ પર હાંફેલી કાર નિસાસા નાંખે ત્યાં,
આગળ દોડી જાવાનું ફરમાન નીકળી જાય છે.
ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર સુધી પાછાં ફરતાં,
જીવનનાં સઘળાં એશ-ઓ-આરામ નીકળી જાય છે.
લાગણીઓ વેચો પણ મળતાં ખોબાભર સપનાંઓ ના,
પૈસાથી બાકી ઘરનાં સૌ કામ નીકળી જાય છે.
ઠોકર જેવી ઠોકર પણ વ્હાલી લાગે એ કારણસર,
હોઠોથી ત્યારે ઓ મા, તુજ નામ નીકળી જાય છે.
દોસ્ત બનીને આંસુઓ આવે છે કેવળ મહેફિલમાં,
સુખદુઃખની વાતો કરવામાં શામ નીકળી જાય છે.
આગળ વધવાની પીડા કે પાછળ રહી જાવાનો ગમ,
બેય પરિસ્થિતિમાં ‘ચાતક’ જાન નીકળી જાય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
શહેરીજનોની કશમકશ સુપેરે આવી છે ગઝલમાં … !!
પણ, અભિવ્યક્તિની ચુસ્તતા માટે છંદ સાથે બાંધછોડ કરવી પડી છે.. 🙂
I agree … 🙂
સમયના વહેણમાં તણાઈને ગામડા છૂટી ગયા
લાગણીઓના ઘોડાપૂર હતા એ પરિવાર છૂટી ગયા
મજબૂર જીવન જીવી રહ્યા શરીરને જરા સમજાવી
સાથ કોઈનો ના મળે તોયે સમયને સાથ આપી રહ્યા..!!
વરવી વાસ્તવિકતા …
ઠોકર જેવી ઠોકર પણ વ્હાલી લાગે એ કારણસર,
હોઠોથી ત્યારે ઓ મા, તુજ નામ નીકળી જાય છે.
બહુ જ સરસ … શહેરી જિંદગીથી કંટાળીએ તોય વહાલી લાગે છે કારણ કે ગામડામાં કામ વગર કંટાળીએ અને શહેરમાં અધિક કામથી કંટાળીએ.
અનિલાબેન,
મૂળ ફરક તો એ કે ગામમાં કામ એ કામ ન લાગે .. અને શહેરમાં બધુંય કામ લાગે …ખરુંને ??
શહેરી જીવનની યાતનાઓ, વિડંબનાઓ, દુવિધાઓ, મજબૂરીઓ, લાચારી, નિઃસહાયતા, અરમાનોનો ભંગાર, સ્વપનોની કત્લેઆમ, નિજાનંદનું ન હોવું, કંટાળાના ઢગલાંઓ અને ગામમાં રહેવાની મજા અને શહેરમાં આવી જવાના ધખારા વચ્ચે પીસાતી જાત લઈને પસાર થતી જીંદગી. બહુ જ અસરકરક વાત થોડાં જ શબ્દોમાં કવિ દક્ષેશ ભાઇએ કરી છે. મજા પડી ગઈ.
Ashokbhai, Thank you for the comment.
મારી જ અન્ય ગઝલનો શેર ..
શહેર પ્રત્યે અણગમો ભારે હતો,
ભેટવું તો પણ પડ્યું છે ગામને.
શહેરોનો વિકાસ થતાં એની સીધી અસર રૂપે કેટલાંય ગામડાં એમાં ભળીને વિલીન થઈ ગયાં તો બીજા અસંખ્ય ગામો એમાં રહેતા લોકોની શહેર ભણી હિજરતને લીધે સૂનાં થઈ ગયા … ઔદ્યોગિકરણ અને કહેવાતા વિકાસનું એ વરવું પરિણામ …આપણે સૌ એના મૂક નિરીક્ષક .. કવિથી બીજું થાય પણ શું .. શબ્દો દ્વારા વેદના વ્યક્ત કરે .. ખરું ને ?
ઠોકર જેવી ઠોકર પણ વ્હાલી લાગે એ કારણસર,
હોઠોથી ત્યારે ઓ મા, તુજ નામ નીકળી જાય છે.
મક્તા પણ લાજવાબ. નખશિખ સુંદર ગઝલ.
Thank you Kishorbhai ..