શું પવનને એ સમજ આવી શકે ?
બારણું પણ ભીંતને વાગી શકે.
તો અને ત્યારે જ એ પડઘો થશે,
શબ્દ એના અર્થને ત્યાગી શકે.
ફૂલને પત્થર ભલે લાગે પવન,
રેતને એ ટાંકણું લાગી શકે.
દોસ્ત, એ પરછાંઈ છે, માણસ નથી,
ભાગી ભાગી કેટલું ભાગી શકે ?
એટલે ધરતી બનાવી તેં ખુદા ?
માનવી થઈ તું અહીં માગી શકે !
સ્પર્શ શ્રદ્ધાવાન ખેડૂત જાતનો,
સ્વપ્ન કોરી આંખમાં વાવી શકે.
ફૂલની જાદુગરી ‘ચાતક’ સુગંધ,
એ પવનનો શ્વાસ થંભાવી શકે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
તો અને ત્યારે જ એ પડઘો થશે,
શબ્દ એના અર્થને ત્યાગી શકે….. વાહ..!!
આ શે’ર ઉત્તમ રહ્યો.. મજાની ગઝલ.. મત્લાનો સાની આમ કરો તો ? ” ભીંતને પણ બારણું વાગી શકે ” વિચારજો….
અશોકભાઈ,
સૂચન બદલ આભાર …ભીંત પર વિવિધ પ્રહાર થતા હોય છે એથી મને ‘બારણું પણ ભીંતને વાગી શકે’ વધુ ઉચિત લાગે છે .. બારણું બીજા કોને વાગે એ વિચારવું પડે .. તો લખી શકાય કે ભીંતને પણ બારણું વાગી શકે .. 🙂
Wah Kavi
Sharsh shraddhavan khedut jaat no….very good sher Daxeshbhai
होंसला अफजाई के लिये शुक्रिया …:)
best line.
દોસ્ત, એ પરછાંઈ છે, માણસ નથી,
ભાગી ભાગી કેટલું ભાગી શકે ?
Thank you !
દક્ષેશભાઈ:
મારા માટે આ “શક્યતાના પ્રદેશ” ની કવિતા છે. ખુબ જ સુંદર વિષય ઉપર દરેક વાંચક પણ પોત પોતાની કલ્પના પ્રમાણે કશુક કહી શકે છે કે લખી શકે છે.
કાવ્યમાં શક્યતાનુ વૈવિધ્ય જે રીતે કંડાર્યું છે તે દાદ માગી લે છે.
સ્પર્શ શ્રદ્ધાવાન ખેડૂત જાતનો,
સ્વપ્ન કોરી આંખમાં વાવી શકે.
અમેરિકામાં રહીને ખેડૂત જાત પર પંક્તિઓ લખવી કે
એટલે ધરતી બનાવી તેં ખુદા ?
માનવી થઈ તું અહીં માગી શકે !
આ પંક્તિઓ ઉમ્મર ખયામ ની ઈશ્વરને પડકારતી રૂબાઈઓની યાદ કરાવે છે.
ધન્યવાદ
સુરેન્દ્ર
સુરેન્દ્રભાઈ,
આપની સૂક્ષ્મ સંવેદી દૃષ્ટિને સલામ … આપને ઉમર ખૈયામની રૂબાઈઓ યાદ આવી એ મારા માટે આનંદની વાત છે … આભાર
જીવનની ફિલસૂફી સમજાવતી ખૂબ ઊંડી ગઝલ
🙂