સમયના હાથમાં થોડી ખુશીઓ આપવા માટે,
અમે મીંચી દીધી આંખોને સ્વપ્નો આપવા માટે.
સરિતાની કહાણી છાપવાની કોને ફુરસદ છે ?
ફના થઈ જાય એ છોને દરિયો આપવા માટે.
અમે તો ધારી બેઠા કે તમે કેવળ અમારા છો,
નજર થોડી હટાવો આપ રદિયો આપવા માટે.
તમે વાંચી ગયાં જેને ગણીને શ્યાહીનાં અક્ષર,
અમારું ખૂન રેડાયું એ શબ્દો આપવા માટે.
વિલંબિત શ્વાસ એનાં સ્પર્શથી થઈ જાય છે બેફામ,
હૃદય નાનું પડે છે જેને તખ્તો આપવા માટે.
લખું છું નામ મક્તામાં હું ‘ચાતક’ બસ પ્રણાલીથી,
ખુદા, આભાર તારો આવી ગઝલો આપવા માટે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરિતાની કહાણી છાપવાની કોને ફુરસદ છે ?
ફના થઈ જાય એ છોને દરિયો આપવા માટે… વાહ !
મજાની ગઝલ.. મસ્ત મકતા .. !!
Thank you Ashokbhai !
નવી રદીફ-કાફિયામાં સુંદર ગઝલ અાપવા માટે અાભાર
પ્રતિભાવ બદલ આભાર.