ધારણાને ધારવાનું બંધ કર,
તું વિચારો ચાળવાનું બંધ કર.
આગ ભીતરમાં ભરી, ને અશ્રુઓ
આંખથી નિતારવાનું બંધ કર.
કાઢ ઘૂંઘટમાંથી ચ્હેરો બ્હાર ના,
સ્વપ્નને સળગાવવાનું બંધ કર.
ફૂલની મૈયતમાં જાવું હોય તો,
દોસ્ત, અત્તર છાંટવાનું બંધ કર.
એ નથી જોતો કે મેં પડદા મૂક્યા ?
આભ, તું ડોકાવવાનું બંધ કર.
શક્ય હો તો અર્થનો વિસ્તાર કર,
શબ્દને પડઘાવવાનું બંધ કર.
જિંદગીની ભીંત ઉપર સ્વપ્નનાં
રોજ ખીલા મારવાનું બંધ કર.
યાદ ‘ચાતક’ આગ જેવી હોય છે,
શ્વાસથી પેટાવવાનું બંધ કર,
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મત્લાના શે’રમાં નાવીન્ય નથી તે ખટક્યું. અન્ય શે’રો ધારદાર થયા છે. મઝા પડી.
Thank you Kishorbhai