સૌ વાચકમિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ. આપ અને આપના સ્નેહી, મિત્રો તથા પરિવારજનો માટે નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને આનંદનું પર્વ બની રહે એવી પ્રભુને પ્રાર્થના.
*
સ્વપ્ન પોતીકાં મટીને પારકાં થઈ જાય છે,
દોસ્તો, ત્યારે પ્રણયનાં પારખાં થઈ જાય છે.
આંખમાં નાખીને આંખો બસ તમે જોયાં કરો,
કોઈ ચ્હેરા જિંદગીના આયનાં થઈ જાય છે.
‘કેમ છો’ પૂછતાંની સાથે ગાલ ઉપર લાલી ફૂટે,
હોઠ ખુદ સંકોચ સાથે ઠાવકાં થઈ જાય છે.
આ અઢી અક્ષરમાં એવું શું હશે, જેના થકી,
લોહીનાં સંબંધ પળમાં સાવકાં થઈ જાય છે.
સ્પર્શની રેખા ફુટે કુમળી હથેળીમાં પછી,
શ્વાસ ખુદ સંજીવનીને લાવતાં થઈ જાય છે.
એ જ ‘ચાતક’ ધન્યતાની છે ક્ષણો જીવનમહીં,
શબ્દ મોઘમ અર્થ લઈને આવતાં થઈ જાય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.
તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
(1) નિબંધલેખન સ્પર્ધા
(2) નવલિકા (ટૂંકી વાર્તા).
આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :
પ્રતિભાશોધ સ્પર્ધા: 1
નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં
નિબંધલેખનના વિષયો
ગુજરાતી ભાષાનું ભવિષ્ય
ભાષાની આજ અને આવતી કાલ
ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ
આપણી ભાષા – આપણી સંસ્કૃતિ
આપણે અને આપણી માતૃભાષા
ગૌરવવંતા ભાષાવીરો
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
પ્રતિભાશોધ સ્પર્ધા : 2
નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014
કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :
303 – એ, આદિત્ય આર્કેડ,
ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.
ફોન : +91-79-4004 9325
ઇ–મેઇલ : info@gujaratilexicon.com
પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015
સ્પર્ધાના સામાન્ય નિયમોઃ
આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.
કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)
કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.
સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.
દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.
આપની કૃતિ ઓનલાઇન સબમીટ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/contest
સ્પર્શની રેખા ફુટે કુમળી હથેળીમાં પછી,
શ્વાસ ખુદ સંજીવનીને લાવતાં થઈ જાય છે.
ગઝલ માણવાની મઝા પડી…નૂતન વર્ષની અનેકાનેક શુભકામનાઓ.
સૌ પ્રેમ પામે.. સૌ સુખની લ્હાણી કરે.. અને સર્વે દિશાઓમાં આનંદ જ આનંદની વર્ષા થતી રહે એવી દિલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભિનંદન..
ગોવિંદભાઈ, આપના લાગણીભીની અને ઉષ્માસભર શુભેચ્છાઓ બદલ આભાર.. આપને અને આપના પરિવારજનોને દિપાવલી અને નૂતન વર્ષની અનેકાનેક શુભકામનાઓ.
ગંભીર બાનીમાં સુંદર તગઝ્ઝુલની ગઝલ માણવાની મઝા પડી.
કિશોરભાઈ, આપના પ્રોત્સાહક પ્રતિભાવ બદલ આભાર.
Daxeshbhai Wish u a very Happy Diwali & prosperous New year
દક્ષેશભાઈ, આવનાર નવું વર્ષ આપને ધંધા-રોજગારમાં બરકત આપે. આપનું તન-મન સ્વસ્થ રહે, મા મહાલક્ષ્મી માતાની અગાધ કૃપા રહે અને મા સરસ્વતી આપના કંઠે, હૈયે અને હોઠો પર વસે એવી મારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સાલ મુબારક.
આ અઢી અક્ષરમાં એવું શું હશે, જેના થકી,
લોહીનાં સંબંધ પળમાં સાવકાં થઈ જાય છે.
વાહ, શું વાત કહી દીધી તમે.
ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડીત હોય. કબીર સાહેબ યાદ આવી જાય પણ એ શબ્દોનો હવે અર્થ બદલાઈ ગયો … પ્રેમના આ વાઘા પહેરીને ફરતા માણસોને ઓળખવા મુશ્કેલ છે. લોહીના સંબંધોને હવે લાંછન લાગે છે. ખુબ જ મર્મવાહી આ પંક્તિઓ ઘણું બધું કહી જાય છે. મને ખુબ જ ગમી.
દક્ષેશભાઈ, આવી જ રચનાઓથી સદા તરબતર કરતા રહેજો એવી શુભકામનાઓ સાથે.
મીતિક્ષાબેનને પણ Happy Diwali & happy new year.
મનહરભાઈ, આપને અને આપના પરિવારજનોને પણ દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ …આપના પ્રતિભાવ બદલ આભાર.