જગતની આંખ પર ચશ્મા થઈ ઊંધા લટકવામાં,
જીવન પૂરું થયું છે કૈંકનું અહીંયા ભટકવામાં.
સમયસર લક્ષ્ય સુધી પ્હોંચવાની હો મથામણ તો,
સમજદારી નથી હોતી કદી વચ્ચે અટકવામાં.
પ્રણયના કોલ તૂટે એટલે માયૂસ થઈ જાવું ?
અહીં તો શ્વાસ જેવા શ્વાસ પારવધા બટકવામાં.
સમય તો વીતતાં વીતી જશે પણ ઘાવ નહીં રુઝે,
કોઈની યાદ બાકી રાખશે ના કૈં ચટકવામાં.
જીવનની વારતાને કોણ રસથી વાંચતું ‘ચાતક’ ?
બધાનું ધ્યાન કેવળ છે અહીં જલ્દી છટકવામાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
રમતિયાળ કાફિયાઓ પાસે ચોકસાઈ ભર્યું કામ કઢાવતી ગઝલ.
ખૂબ જ સુંદર મત્લાથી શરુઆત, બધા જ શેર સુંદર થયા છે.
અભિનંદન, દક્ષેશભાઈ !
અમારું ધ્યાન કેવળ છે અહીં કોમેન્ટ લખવામાં….
નખશિખ સુંદર ગઝલ મક્તા ખૂબ ગમ્યો.
વાહ દક્ષેશભાઇ,
મત્લાનો ઉપાડ અને મક્તાસહિત આખેઆખી ગઝલ ગમી…
બધાનું ધ્યાન કેવળ છે અહીં, જલ્દી છટકવામાં….વાહ!
જીવનની વારતાને કોણ રસથી વાંચતું ‘ચાતક’ ?
બધાનું ધ્યાન કેવળ છે અહીં જલ્દી છટકવામાં.
Waaahhhhh
પ્રણયના કોલ તૂટે એટલે માયૂસ થઈ જાવું ?
અહીં તો શ્વાસ જેવા શ્વાસ પારવધા બટકવામાં…. ખુબ સુંદર અભિવ્યક્તિ, સરસ ગઝલ…!!