પગલાં મળે વિચારનાં એવું બની શકે,
વંચાય કોઈ ધારણા, એવું બની શકે,
દસ્તક વિના જ દ્વારથી પાછા ફરેલ હાથ
ખોલે ભીડેલ બારણાં એવું બની શકે.
*
લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે,
આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે,
તારી ને મારી વાતમાં પડનારને કહેજે,
આ આજકાલની નહીં, ભવની પિછાણ છે.
*
રૂપ જોનારા અરીસાઓ શરાબી નીકળ્યા,
પથ્થરોને ચીરતાં એમાંય પાણી નીકળ્યા.
મેં તો કેવળ અર્થ એના નામનો પૂછ્યો હતો,
આંસુઓ પણ કેટલા હાજરજવાબી નીકળ્યા.
*
લાગણીના જામ છલકાવે તરસ,
આંખમાં દરિયો ભરી લાવે તરસ.
તું અગર વરસાદ થઈને આવ તો
શક્ય છે કે ભાનમાં આવે તરસ.
*
કદી બાદશાહ તો કદી ગુલામ થાઉં છું,
સમયના હાથે રોજ હું નીલામ થાઉં છું.
હું ચાલવા માંડુ તો રસ્તો બની જાઉં,
ને ઊભો રહું તો મુકામ થાઉં છું.
*
આગમન, એની પ્રતીક્ષા, બારણાંનો છે વિષય,
ને પછી એનું મિલન સંભારણાનો છે વિષય,
કાફિયાઓ લઈ વસાવું હું રદીફોના નગર,
શું હશે જાહોજલાલી, ધારણાનો છે વિષય.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Superb
maza padi gai
સુન્દર રચના.
સુન્દર.
મનભાવન મુક્તકો
સરસ મુક્તકો.
પગલાં બને વિચારણાં એવું બની શકે
કરો તો કદાચ કાફિયાનો પ્રશ્ન પણ હલ થઈ જશે. અને વિચાર પણ નવો મળશે…
પછી આપની જેવી ઇચ્છા…
ક્ષમા સાથે જણાવવાનું કે નીચેમાં પણ કાફિયાચૂસ્તતા જળવાતી નથી દક્ષેશભાઈ…
Awesome ..Daxesh Contractor “CHATAK”