[Painting by Donald Zolan]
કેમ ભલા સૂરજનો રસ્તો રોકી બેઠાં વાદળથી,
અંધારું ઘરઘરમાં થાતું અમથે અમથું કાજળથી.
આંખોમાં આંખો નાંખીને વાંચો તો સમજાશે એ,
કેવાં કેવાં અક્ષર ફુટે નહીં દીધેલા કાગળથી.
સંબંધોની વાત હોય તો હોય હથેળીમાં રેખા,
ફૂટેલી કિસ્મતનાં પાનાં ના બદલાયે પાછળથી.
ભાવિનું અટકળ કરવાની કોશિશો શું કામ કરો,
જીવનની ઘટનાને વાંચી કોણ શક્યું છે આગળથી.
તડકાઓ લીંપી લીંપીને સપનાઓનાં ઘર માંડો,
કોઈ પરોઢે ઝળહળ થાશે એ પણ ભીના ઝાકળથી.
આશાનું તો કામ જ છે કે માણસને પગભર કરવો,
‘ચાતક’ને એ શીખ મળી છે નહીં વરસેલા વાદળથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અશોકભાઈનું સૂચન ધ્યાનમાં લેવા જેવું છે…
ગઝલ સરસ થઈ છે… મજા પડી દક્ષેશભાઈ…
નહીં વરસેલા વાદળ પાસેથી તમે સરસ શીખ મેળવી.
બધા જ શેર આસ્વાદ્ય થયા છે. અભિનંદન દક્ષેશભાઈ !
ભાવિનું અટકળ કરવાની કોશિશો શું કામ કરો,
જીવનની ઘટનાને વાંચી કોણ શક્યું છે આગળથી.
બહુ સરસ!
વાહ…દક્ષેશભાઇ,
સરસ લયબદ્ધ ગઝલ – ગમી.
ખાસ, મક્તા બહુજ માર્મિક રહ્યો – અભિનંદન મિત્ર!
બહુ સરસ ગઝલ. મારા અભિપ્રાય પ્રમાણે અત્યારના ગઝલકારોમાં તમારી ગઝલો શિરમોર રહે છે. ખૂબ ખૂબ અભિનંદન.
આખી ગઝલ મઝાની…આ શેર ખુબ જ ગમ્યો
સંબંધોની વાત હોય તો હોય હથેળીમાં રેખા,
ફૂટેલી કિસ્મતનાં પાનાં ના બદલાયે પાછળથી….
સરસ ગઝલ …અને સરસ વાગોળવા ગમે તેવા મઝાના શેર…
અશોકભાઈ,
પ્રતિભાવ બદલ આભાર.
આપની વાત સાથે સંમત છું .. પાંચમા શેરમાં એ મુજબ સુધારો કરી દીધો છે.
આંખોમાં આંખો નાંખીને વાંચો તો સમજાશે એ,
કેવાં કેવાં અક્ષર ફુટે નહીં દીધેલા કાગળથી….વાહ ફરી એક મજાની ગઝલ મોજ કરાવી ગઇ.
પાંચમા શે’રના સાનિ મિસરામાં ‘એ ય ભીના ઝાકળથી’ની જગ્યાએ ‘એ પણ ભીના ઝાકળથી’ કરો તો !!
સુંદર મજાની રચના…..!!