માપ આપો એ પ્રમાણે ખ્વાબ બનવા જોઈએ.
આંખને પૂછી દિવસ ને રાત બનવા જોઈએ.
પ્રેમ મૌસમ, વાર કે મહીના કશું જોતો નથી,
પ્રેમ કરવાના છતાંયે વાર બનવા જોઈએ.
સ્પર્શની બારાખડી ના ઉકલે એની બધી,
આંગળીના ટેરવાઓ ચાંપ બનવા જોઈએ,
બાળપણ છીનવી લીધું એ દુષ્ટ લોકોના ઘરે,
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ.
જિંદગી સિક્કો બની જેની ઉછળતી રહે સતત,
એમની કિસ્મતના કાંટા છાપ બનવા જોઈએ.
આંખમાં આંસુ ન આવે એ મરદનો બેટડો ?
એની આંખોમાં જ દરિયા સાત બનવા જોઈએ.
ભ્રુણહત્યા થઈ ગયેલી દીકરીનો શ્રાપ છે,
વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ.
દોસ્ત, બહેરાની સભાને હુંય સંબોધી શકું,
આઠમાંથી સાત શ્રોતા આપ બનવા જોઈએ.
રોજ છાપું વાંચવા ‘ચાતક’ જરૂરી તો નથી,
સનસનાટીખેજ કિસ્સા ક્યાંક બનવા જોઈએ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આફરિન રચના ચાતક સાહેબ
હદય વેધક
ખુબ જ સરસ , સરસ ક્રિએશન
મહેશભાઈ,
તમારા અભિપ્રાય બદલ દિલથી આભાર.
ભ્રુણહત્યા થઈ ગયેલી દીકરીનો શ્રાપ છે,
વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ.
આ શેરમાં તમે કહો છો તે મુજબ વાંઝણી હોય તે મા જ ન કહેવાય અને એથી હકીકતદોષ ગણાય એ સાચું, અને એનાથી હું સુપેરે વાકેફ છું, પણ એ જ તો આક્રોશની ભાષા છે. જેને ગર્ભમાં જ મારી નાખવામાં આવી છે એ દીકરી શ્રાપ આપે છે કે વાંઝણી મા ના દીકરા જ બાપ બનવા જોઈએ. અર્થાત જો આવી રીતે હત્યા જ કરવાના હોય તો સારું છે કે એવા પિતા જન્મે જ નહીં. કોઈ માતા પોતાના સંતાનને મારવા ઈચ્છતી નથી હોતી. ઘણે ભાગે પિતા એમાં કારણભૂત હોય છે. તમે આ સંદર્ભમાં આક્રોશને જોશો તો તમને એ વાજબી લાગશે અને ચોટદાર પણ લાગશે. રૂઢિગત કે સ્થાપિત રૂપકોના બંધનો તોડીને જ્યારે કવિતા વહે ત્યારે એ વેધક બને અને એ માટેનો જ આ પ્રયત્ન છે.
સાપવાળા શેર માટે આપની દાદ સર-આંખો પર.
શ્રી દક્ષેશભાઇ,
પ્રસ્તુત ગઝલમાં ,તમે મિત્રકવિ શ્રી અનિલ ચાવડાના પ્રતિભાવનાં જવાબમાં કહ્યું એ મુજબ સાંપ્રત વિષયો પ્રત્યે તમારો આક્રોશ વ્યક્ત કર્યો છે…..પણ, તમારા જેવી, નિવડેલ કલમ પાસેથી કંઇક વધુ સદ્ધર ભાષાકર્મની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે.
એક હકીકત દોષ બાબતે ધ્યાન દોરૂં….વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ…..!!!
(વાંઝણી સ્ત્રીને મા સંબોધી, અને એના દિકરા હોય તો એ વાંઝણી કેવી રીતે ગણાય…!)
કવિકર્મ, ભાષાનાં વિવેકપૂર્ણ પ્રયોજનથી જ નિખાર પામે….મિત્ર! ભીતરની લાગણીઓ ભાષા અને અભિવ્યક્તિના વિવેકની મર્યાદામાં રહીને જ ઉજળી સાબિત થઇ શકે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, મારા આ પ્રતિભાવ પાછળની લાગણીને તમે સુપેરે સમજી શકશો.(જો કે એટલે જ આટલી વાત કરવા પ્રેરાયો છું..! )
આ બધી ચર્ચા વચ્ચે અહીં એક શેર…
બાળપણ છીનવી લીધું, એ દુષ્ટ લોકોના ઘરે
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ….. માટે, દિલથી ખૂબ-ખૂબ અભિનંદન…બહુ ઉમદા વાત અને એવી જ સશક્ત અભિવ્યક્તિ. આ, અપેક્ષા મુજબનો શેર થયો છે મિત્ર….વાહ..!
-અસ્તુ.
વીતે વરસો અગણિત તોય યાદ માત્રથી હદયના તાર ઝણઝણવા જોઇયે……
બાળપણ છીનવી લીધું એ દુષ્ટ લોકોના ઘરે,
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ.
ભ્રુણહત્યા થઈ ગયેલી દીકરીનો શ્રાપ છે,
વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ.
વાહ વાહ દક્ષેશભાઇ….ધમાકેદાર કલમ ચલાવી છે……
દોસ્ત, બહેરાની સભાને હુંય સંબોધી શકું,…વાહ !
કમાલની અભિવ્યક્તિ ! દરેક શેરમાઁ મનના આક્રોશને સારી અભિવ્યક્તિ મળી છે. અભિનંદન !
સાદ્યન્ત સુંદર ગઝલ !
સ્પર્શની બારાખડી ના ઉકલે એની બધી,
આંગળીના ટેરવાઓ ચાંપ બનવા જોઈએ.
દોસ્ત, બહેરાની સભાને હુંય સંબોધી શકું,
આઠમાંથી સાત શ્રોતા આપ બનવા જોઈએ.
.. મજાની અભિવ્યક્તિઓથી ભરેલી ગઝલના ઉપરોક્ત શે’ર વધુ ગમ્યા..
સાંપ્રતિક સમયને સ્પર્શતી એક અનોખી ગઝલ ગમી. મત્લાના શે’ર સહિત બધા શે’ર ભાવવાહી થયા છે.
સ્પર્શની બારાખડી ના ઉકલે એની બધી,
આંગળીના ટેરવાઓ ચાંપ બનવા જોઈએ,
વાહ વાહ ખુબ ચોટદાર ગઝલ છે…!!
અનિલભાઈ,
આપ જેવા કવિમિત્ર અને ગુણીજનના અભિપ્રાય બદલ આભારી છું. તમને ગઝલ સ્પર્શી નહીં એનો ખેદ જરૂર છે, પરંતુ એને લીધે હજુય સારી ગઝલ લખવા માટેની પ્રેરણા મળી છે. આપે જે શેર ટાંક્યો તે Child Labour અને Child Abuse ની ખિલાફમાં લખેલો છે. કવિ તરીકે મારું કર્મ સંવેદનાને વ્યક્ત કરવાનું છે. સાંપ્રત સમયમાં ચાલી રહેલ વિવિધ ઘટનાક્રમ વિશે મનમાં જે આક્રોશ હતો તે કલમ વાટે બહાર નીકળ્યો છે. અભિવ્યક્તિમાં હંમેશા સુધારા માટે અવકાશ હોય છે, અને એને માટેની મારી તલાશ જારી રહેશે. ફરી એક વાર આભાર.
બાળપણ છીનવી લીધું એ દુષ્ટ લોકોના ઘરે,
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ.
દક્ષેશભાઈ આપની કલમ અવિરત વહેતી રહે છે… અને વહેતી રહે એવું ઇચ્છું છું… આપની આ ગઝલ સારી છે. .. પણ મને અંગત રીતે ખબર નહીં કેમ પણ એટલી બધી સ્પર્શી નહીં.
Waah.. mindblowling..
જિંદગી સિક્કો બની જેની ઉછળતી રહે સતત,
એમની કિસ્મતના કાંટા છાપ બનવા જોઈએ.
માપ આપો એ પ્રમાણે ખ્વાબ બનવા જોઈએ.
આંખને પૂછી દિવસ ને રાત બનવા જોઈએ….
Waaah
ભ્રુણહત્યા થઈ ગયેલી દીકરીનો શ્રાપ છે,
વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ.