Press "Enter" to skip to content

રસ્તાઓ સાદ દે

મંઝિલની આશમાં સતત પગલાંઓ સાથ દે,
એવું નથી કે ધારણા કાયમ વિષાદ દે.

ભૂલા પડી શકાય ક્યાં એની તલાશમાં ?
દિવાનગીના શહેરમાં રસ્તાઓ સાદ દે.

ઈશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ,
તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે.

તારી કને હજારમાં દર્દો પડ્યાં હશે,
આપે તો જોઈ જોઈને બે-ચાર, ખાસ, દે.

તારી સમજ વિશે મને એથી તો માન છે,
આનંદની પળો બધી પીડાની સાથ દે.

મારી વ્યથા વિશે તને ફરિયાદ નહીં કરું,
આંસુના ઢાંકણા ફકત આંખોની પાસ દે.

‘ચાતક’ તરસને પામવા કરવી પડે સફર,
ઘરબેઠા ઝાંઝવાય ક્યાં પોતાની પ્યાસ દે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Urvashi Parekh
    Urvashi Parekh July 20, 2013

    ઇશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ,
    તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે .. સરસ.

  2. Anila Patel
    Anila Patel July 11, 2013

    ઇશ્વરની ઉદારતાનો તો કોઇ પાર જ નથી પણ આપણા કાણા હાથ એ ઝીલવા સમર્થ નથી — બહુ જ સરસ ગઝલ.

  3. Ashok Jani 'Anand'
    Ashok Jani 'Anand' July 10, 2013

    તારી કને હજારમાં દર્દો પડ્યાં હશે,
    આપે તો જોઈ જોઈને બે-ચાર, ખાસ, દે…..મસ્ત ગઝલનો સહુથી વધુ ગમેલો શે’ર..!!

  4. Kishore Modi
    Kishore Modi July 10, 2013

    ખૂબ સરસ ગઝલ. તમારી ગઝલમાં હંમેશ એક તાજગી વર્તાતી રહે છે જે મહત્ત્વની વાત મારે મન છે તે સહેજ. બધા શે’ર અર્થસભર થયા છે એ પાછી બીજી મઝાની વાત છે.

  5. Pragnaju
    Pragnaju July 10, 2013

    સુંદર ગઝલ.
    બધા સરસ શેરોમાં આ ખૂબ ગમ્યા..
    તારી સમજ વિશે મને એથી તો માન છે,
    આનંદની પળો બધી પીડાની સાથ દે.

    મારી વ્યથા વિશે તને ફરિયાદ નહીં કરું,
    આંસુના ઢાંકણા ફકત આંખોની પાસ દે.

  6. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) July 10, 2013

    ઈશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ,
    તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે….
    વાહ સુંદર રચના …!!

  7. J Jugalkishor
    J Jugalkishor July 10, 2013

    એવું નથી કે ધારણા કાયમ વિષાદ દે.

    મજાની રચના !
    સાભાર — જુ.

  8. Anil Chavda
    Anil Chavda July 10, 2013

    ઈશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ,
    તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે.
    મારી વ્યથા વિશે તને ફરિયાદ નહીં કરું,
    આંસુના ઢાંકણા ફકત આંખોની પાસ દે.
    ક્ય બાત હૈ

  9. Harsha
    Harsha July 10, 2013

    વાહ,આનંદ ની પળો બધી પીડા ની સાથ દે……ઘણું સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.