Press "Enter" to skip to content

સરનામું શ્વાસમાં

પડછાયો નીકળી પડે જ્યારે તલાશમાં,
શોધી શકાય કોઈનું સરનામું શ્વાસમાં.

આ લાગણી છે દોસ્ત, ને એને ખબર બધી,
વ્હેવાનું ક્યારે, ક્યાં લગી, ચીતરેલ ચાસમાં.

સંધિની શક્યતા લઈ મળતાં રહે નયન,
જોડી શકાય ના છતાં પાંપણ સમાસમાં.

સૂરજના ઊગવા વિશે અટકળ કરી શકે,
સપનાંને એ ખબર નથી, છે કોની આંખમાં.

શબ્દોનાં બારણાં તમે ભીડીને રાખજો,
સંભવ છે, મૌન નીકળે ભીતર પ્રવાસમાં.

મૃગજળની વારતા હજુ લંબાતી જાય છે,
નક્કી કશુંક તો હશે ‘ચાતક’ની પ્યાસમાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

  1. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 16, 2013

    પડછાયો માપતા માપતા હુ નિકળી પડ્યો…..ઢળી ગઈ સાંજ અને વહી ગઈ ઉમ્ર તોય તને હુ ના પામી શક્યો…….

  2. Darshan
    Darshan April 28, 2013

    અપ્રતીમ સુન્દર રચના……

  3. Pravin Shah
    Pravin Shah April 26, 2013

    સરસ ! ગઝલમાં તાજગી અનુભવાય છે.
    પડછાયા કોઈની તલાશમાં નીકળી પડે અને છેવટે નિજ
    શ્વાસમાં એ શોધ પૂરી થાય એ વાત બહુ ગમી.
    રદીફ-કાફિયાના સમાસમાં કહેવાયેલ સુંદર ગઝલ !
    ‘આંખમાં’ કાફિયા જરા ખૂંચ્યો.

  4. Pragnaju
    Pragnaju April 25, 2013

    પડછાયો નીકળી પડે જ્યારે તલાશમાં,
    શોધી શકાય કોઈનું સરનામું શ્વાસમાં.
    વાહ
    યાદ
    તારો જ હું પડછાયો છું…

    અંદર કદીક આવ તું, ઉરમાં પ્રવાસ કર,
    ક્યારેક તો ખોજ તું મને! મારી તપાસ કર…

    તારા વિનાની હું તને ક્યાંથી મળું પ્રિયે !
    જો શોધવી મને હો, તો તારી તલાશ કર.

    ‘તારા જવાને સદિઓ વીતી ગઈ છે છતા,
    સમયની રેતી પર તારા પગલાના નીશાન શોધુ છુ’

    ‘કોઇ ના ચેહરામાં તારો ચેહરો તલાશ કરુ છુ,
    જાણે પત્થર ના શહેરમા સન્ગેમરમર તલાશ કરુ છુ,’

    ‘કી ખત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁ
    લેકિન મીલા ન ઉમ્રભર અપના પતા મુજે.

  5. Kishore Modi
    Kishore Modi April 25, 2013

    તમારી ગઝલોમાં હંમેશા તાજપ નીખરતી રહે છે એ એનું મોટું જમાપાસુ છે તે ખાસ…મને ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.