Press "Enter" to skip to content

હું ગઝલ ગાઈ શકું


[Painting by Donald Zolan]

આપજે એવું દરદ કે જે ન ભુલાવી શકું,
આંખમાં આંસુ ભલે પણ હું ગઝલ ગાઈ શકું.

હું કોઈ વાદળ નથી કે ઘેરવાનો સૂર્યને,
હું તો પડછાયો ફકત આંગણમહીં વાવી શકું.

શહેરની આબોહવા માફક તો આવી ગઈ મને,
વાયરો થઈને હજી હું સીમમાં વાઈ શકું.

હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું.

પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

જે ક્ષણે ‘ચાતક’ દરશની ઝંખના ખૂટી પડે,
એટલી કરજે કૃપા કે શ્વાસ થંભાવી શકું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

  1. Daxesh Contractor
    Daxesh Contractor April 27, 2013

    ગઝલને સુંદર પ્રતિભાવ આપવા બદલ સૌ મિત્રોનો આભાર … આપના પ્રતિભાવો કલમને નવી તાકાત અને તાજગી બક્ષે છે ..ધન્યવાદ.

  2. Dinesh Gogari
    Dinesh Gogari April 24, 2013

    પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
    તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

  3. Mitixa
    Mitixa April 19, 2013

    ખૂબ જ સુંદર ભાવસભર રચના

  4. Pravin Shah
    Pravin Shah April 17, 2013

    તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું….

    વાહ ! નખશિખાંત સુંદર ગઝલ !

    અભિનંદન દક્ષેશભાઈ !

  5. Raj Khona
    Raj Khona April 13, 2013

    પ્રિય દક્ષેશભાઈ,
    આપની રચના ખરેખર સુન્દર છે…

    હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
    મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

    તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
    રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું.

    પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
    તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું……..મારા આપને દિલથી ખૂબ ખૂબ અભિનંદન……

  6. Pancham Shukla
    Pancham Shukla April 13, 2013

    સરસ ગઝલ.

    પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
    તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

  7. Devika Dhruva
    Devika Dhruva April 12, 2013

    ભાવનો સ્પષ્ટ ઉઘાડ દર્શાવતો મત્લા અને શ્વાસને થંભાવવાની મગરૂરી વ્યક્ત કરતો મક્તા બંને સરસ ..
    અને એથી પણ વધુ, સૌને ગમી ગયો તે શેર-
    એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
    આપજે થોડો સમય કે એને પરણાવી શકું….ક્યા ખુબ કહી…

  8. Anil Chavda
    Anil Chavda April 11, 2013

    હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
    મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

    એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
    આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

    સુન્દર ગઝલ…..
    વાન્ચતાની સાથે જ ગમી જાય તેવી છે.

  9. Kishore Modi
    Kishore Modi April 11, 2013

    સાંગોપાંગ સુંદર ગઝલ. બહુ ગમી. અભિનંદન.

  10. Pinky
    Pinky April 10, 2013

    વાહ ! અદભુત…I m speechless..નરેન્દ્રભાઈ એ કહ્યુ એમ આ તમારી માનસિક્તા રજુ કરે છે. A nice human being with pure heart !

  11. Pragnaju
    Pragnaju April 10, 2013

    પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
    તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

    અ દ ભૂ ત
    બધા ધર્મોનો સાર .. ધર્મમા ન માનનારની પણ આ પ્રાર્થના

  12. Daxesh Contractor
    Daxesh Contractor April 10, 2013

    નરેન્દ્રભાઈ,
    તમારી દાદ સર-આંખો પર. તમને ગઝલ ગમી તેનો આનંદ છે. તમારી વાત સાચી છે કે હૃદયના ભાવો કલમ પર ફુટી નીકળ્યા છે. કદાચ એથી જ એ ભાવકો અને વાચકોને વિશેષ સ્પર્શ્યા છે. તમારા પ્રતિભાવ અને પ્રોત્સાહન બદલ આભાર.

  13. Narendra Jagtap
    Narendra Jagtap April 10, 2013

    દક્ષેશભાઇ …શું કહુ…યાર… મારી પાસે તો જાણે શબ્દો નથી …મને તમારી આ ગઝાલ એટલી ગમી છે કે ……….. મઝા આવી ગઇ યાર એમાય

    હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
    મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

    તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
    રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું.

    એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
    આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

    જે ક્ષણે ‘ચાતક’ દરશની ઝંખના ખૂટી પડે,
    એટલી કરજે કૃપા કે શ્વાસ થંભાવી શકું.

    આ શેર તો ભાઇ તમારી સરસ માનસિકતા રજુ કરે છે… તમારા હ્રદયના પ્રતિબીંબ સમાં આ શેર છે…. મારા આપને ખુબ ખુબ દીલથી અભિનંદન……

  14. Daxesh Contractor
    Daxesh Contractor April 10, 2013

    અશોકભાઈ,
    આપજે થોડો સમય એને ય પરણાવી શકું – એવું કરવામાં – એનેય – નો અર્થ સ્પષ્ટ નહીં થાય કારણ બીજા કોઈને પરણાવવાની વાત આગળના મિસરામાં નથી. એટલે હું માનું છું ત્યાં સુધી જે રીતે અત્યારે છે એ રીતે રહેવા દઉં એ યોગ્ય લાગે છે.
    સૂચન અને આપના પ્રતિભાવ બદલ આભાર.

  15. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 10, 2013

    આખી ગઝલ સાંગોપાંગ સુંદર થઇ છે. બીજો – ચોથો -પાંચમો અને છઠ્ઠો વધુ ગમ્યો ..

    એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
    આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

    માં સાનિ મિસરાને ‘આપજે થોડો સમય એને ય પરણાવી શકું.’ કરો તો ?! મારા હિસાબે વધારે અસરકારક થાય …!!!

  16. Bhumika
    Bhumika April 10, 2013

    સરસ … ઃ)ઃ)ઃ)
    તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
    રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું…. આથી સુન્દર પ્રાર્થના કોઇ નથી….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.