Press "Enter" to skip to content

કોઈપણ બારી નથી


[Painting by Donald Zolan]

સ્વપ્ન જેવી કોઈપણ બારી નથી,
શક્યતાઓ કોઈ દિ’ હારી નથી.

એક શમણું હુંય લઈને આવું, પણ
પાંપણોએ વાત ઉચ્ચારી નથી.

તું હજીયે આંખમાં આવી શકે,
રાત કોઈ નામ ઉધારી નથી.

કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ?
પ્રેમ કરવો કોઈ બિમારી નથી.

રાતદિવસ હો મિલનની ઝંખના,
એટલી દિવાનગી સારી નથી.

શ્વાસ જાવાને ભલે તૈયાર છે,
કૈંક ઈચ્છા તોય પરવારી નથી.

હું કહું ત્યારે મને આવી મળે,
મોત સાથે એટલી યારી નથી.

આખરે ‘ચાતક’ મળીશું ખાખમાં,
વારતા એથી જ વિસ્તારી નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

  1. Shreyas Shah
    Shreyas Shah April 9, 2013

    ચાતક વારતા વિસ્તારો, તમારી તો રાખ પણ બોલી ઉઠશે.

  2. Sudhir Patel
    Sudhir Patel January 16, 2013

    વાહ! સુંદર ગઝલ!!
    સુધીર પટેલ.

  3. Pancham Shukla
    Pancham Shukla January 7, 2013

    સરસ ગઝલ.

  4. દક્ષેશભાઇ,
    સરસ ગઝલ માટે જેટલા અભિનંદનના અધિકારી છો એટલા જ, સારી ગઝલને વધુ સચોટ બનાવવા અન્ય કવિ મિત્રોએ સૂચવેલા સૂચનને જે નિખાલસતાથી સ્વીકારી જરૂરી(અને યોગ્ય) ફેરફારને આવકરી રહ્યા છો એ બદલ પણ અભિનંદનના અધિકારી છો…..

  5. Daxesh
    Daxesh December 14, 2012

    અશોકભાઈ અને દેવિકાબેન,
    આપના સૂચનને સ્વીકારીને ફેરફાર કરી દીધો છે.
    કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ?
    પ્રેમ કરવો કોઈ બિમારી નથી.
    આપના સૂચન બદલ અંતરથી આભાર. આપનો સાથ-સહકાર મળતો રહે એવી આશા છે.

  6. Devika Dhruva
    Devika Dhruva December 14, 2012

    વાહ્… ખુમારીયુક્ત મઝાની ગઝલ..મારી દ્રષ્ટિએ ‘પ્રેમ કરવો’ વધુ ઠીક લાગે છે
    અશોકભાઈ જાની સાથે સંમત થાઉં છું..

  7. Daxesh Contractor
    Daxesh Contractor December 13, 2012

    અશોકભાઈ,
    પ્રતિભાવ અને તમારી સૂક્ષ્મ દૃષ્ટિ માટે આભાર.
    મને – પ્રેમ કરવું અને પ્રેમ કરવો – બંને ઠીક લાગે છે કારણ પ્રેમ કરવાની ક્રિયા વિશે ઉલ્લેખ છે, માત્ર પ્રેમ વિશે નહીં. છતાં આ અંગે અન્ય કવિમિત્રોના વિચાર જાણવા ગમશે ..

  8. Pravin Shah
    Pravin Shah December 13, 2012

    કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ?
    પ્રેમ કરનારને સાચો જ પ્રશ્ન પૂછ્યો.
    સુંદર ગઝલ !

  9. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' December 11, 2012

    બધાં જ સુંદર સહિતની આખી ગઝલ માણવા લાયક પણ આ શેર મને શિરમોર લાગ્યો..
    તું હજીયે આંખમાં આવી શકે,
    રાત કોઈ નામ ઉધારી નથી.
    ચોથા શે’રના સાનિ મિસરામાં ‘પ્રેમ કરવું’ ની જગ્યાએ ‘પ્રેમ કરવો’ ના હોવું જોઇએ..!?

  10. Narendra Jagtap
    Narendra Jagtap December 10, 2012

    હું કહું ત્યારે મને આવી મળે,
    મોત સાથે એટલી યારી નથી.

    આખરે ‘ચાતક’ મળીશું ખાખમાં,
    વારતા એથી જ વિસ્તારી નથી.

    વાહ વાહ સરસ ગઝલ દક્ષેશભાઇ…. બહોત ખુબ….

  11. Pragnaju
    Pragnaju December 10, 2012

    સુંદર ગઝલ
    તું હજીયે આંખમાં આવી શકે,
    રાત કોઈ નામ ઉધારી નથી.

    કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ?
    પ્રેમ કરવું કોઈ બિમારી નથી.
    વાહ્

  12. Kishore Modi
    Kishore Modi December 10, 2012

    કેમ મસ્તક આપણાં ઝૂકી પડે ?
    પ્રેમ કરવું કોઇ બિમારી નથી.
    નવી રદીફ સાથે નખશિખ સુંદર ગઝલ

  13. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) December 10, 2012

    સૌની વ્હાલી સ્વપ્નની બારી ને આશા ના બારણાં -ચણ અહિં શ્વાસના …..મન પંખી બની ઉડી ઉડી જાય…!

  14. Anil Chavda
    Anil Chavda December 10, 2012

    શ્વાસ જાવાને ભલે તૈયાર છે,
    કૈંક ઈચ્છા તોય પરવારી નથી.

    હું કહું ત્યારે મને આવી મળે,
    મોત સાથે એટલી યારી નથી.

    બહોત ખૂબ દક્ષેશભાઈ

  15. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) December 10, 2012

    હું કહું ત્યારે મને આવી મળે,
    મોત સાથે એટલી યારી નથી….અરે ભાઈ ને અમારી ઉમ્મર લગ જાય્…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.