[Painting by Donald Zolan]
*
નથી ધારતા શાને? ધારો, પ્રભુ,
સુદર્શનનો મહિમા વધારો પ્રભુ.
ધરમ સ્થાપવાની જરૂરત નથી,
દંભી, દુરાચારી મારો, પ્રભુ.
અમારા જ ખાતામાં શાને લખો ?
વ્યથા અન્ય નામે ઉધારો પ્રભુ.
દુઃખોને ઉચકવામાં નાનમ નથી,
જરા સુખની બોણી વધારો પ્રભુ.
અમારા કરણ પણ જમુનાનો તટ,
બંસી બજાવી સુધારો પ્રભુ.
તમારા છે, એથી વધુ શું કહું,
હવે અમને મારો કે તારો, પ્રભુ.
‘ચાતક’ છીએ, એથી થઈ શું ગયું ?
કદી તો સમયસર પધારો પ્રભુ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુદર ગઝલ થઈ છે દક્ષેશભાઈ.
દશેરાની શુભકામનાઓ….
વાહ, આ તાજી પ્રાર્થના ગઝલ વાંચી મજા પડી ગઇ, મત્લા અને મક્તા ના શે’ર ખૂબ ગમ્યા….
તમારા છે, એથી વધુ શું કહું,
હવે અમને મારો કે તારો પ્રભુ.
વાહ
નાવિન્યસભર સુંદર ભક્તિમય ગઝલ. ખૂબ ગમી. બધા શે’ર સુંદર થયા છે. અભિનંદન.
તમારા છે, એથી વધુ શું કહું,
હવે અમને મારો કે તારો પ્રભુ.
વાહ ! તમારી પ્રાર્થના ગમી !
ધરમ સ્થાપવાની જરૂરત નથી,
દંભી, દુરાચારી, મારો પ્રભુ.
અહિ થોડા સુધાર ની જરૂરત છે, પ્રભુ ની સરખામણી દંભી, દુરાચારી તરીકે થઇ રહી હોય એવું લાગે છે ભલે કવિ નો આશય નથી.
રાજેન્દ્ર ભાઈ,
પ્રતિભાવ બદલ આભાર.
ગુજરાતી ભાષામાં એક જ શબ્દના અનેક અર્થો કાઢી શકાય. અહીં – મારો પ્રભુ – ના ભિન્ન અર્થ લઈ શકાય એમ છે. પ્રભુને સંબોધન તરીકે – મારો પ્રભુ – પણ કહી શકાય અને પ્રભુને સંહાર માટે વિનતિ કરવા પણ – મારો પ્રભુ – એમ કહી શકાય. કદાચ તમે પ્રથમ અર્થના સંદર્ભમાં આ વાત લખી છે … પરંતુ અહીં એ બીજી રીતે વપરાયો છે. આટલી સ્પષ્ટતા પૂરતી થઈ પડશે.
ઘણા સરસ અને વાસ્તવિક વિચારો આ કાવ્ય દ્વારા રજુ કર્યાં છે.ગમ્યું.
દુઃખોને ઉચકવામાં નાનમ નથી,
જરા સુખની બોણી વધારો પ્રભુ………………………………મારી હુંડી હવે સ્વીકારો પ્રભુ .