[Painting by Donald Zolan]
કેટલીક સંવેદના છુપાવવી પણ જોઈએ,
વ્યક્ત કરવાની સુવિધા ટાળવી પણ જોઈએ.
વેદનાની વાત આંસુઓથી કરવી ઠીક નહીં,
સ્મિત કરવાની કળા અપનાવવી પણ જોઈએ.
લાગણી તો સાવ નાના બાળ જેવી હોય છે,
ભીડથી એને જરા સંભાળવી પણ જોઈએ.
ને હૃદયના કોઈ ખૂણામાં પડી રે’ ક્યાં લગી,
લાગ મળતાં યાદને મમળાવવી પણ જોઈએ.
રોજના મળવા થકી ઠુઠવાઈ જાશે ઝંખના,
આગ વિરહની કદી પેટાવવી પણ જોઈએ.
રાહ જોવામાં નથી તકલીફ ‘ચાતક’ને જરા,
શર્ત, કે મોડી ભલે, એ આવવી પણ જોઈએ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર રચના…!!!!
રાહ જોવામાં નથી તકલીફ ‘ચાતક’ને જરા,
શર્ત, કે મોડી ભલે, એ આવવી પણ જોઈએ…..
તમારી ગઝલ વાંચ્યા પછી તમારા હૃદય નો પરિચય મળ્યો…
હશે ગઝલકારો આ દુનિયામાં ઘણાં,
પણ આપ જેવો મિત્ર એકાદ હોવો જોઈએ …..
કમાલ…સુંદર રચના !!!
વેદનાની વાત આંસુઓથી કરવી ઠીક નહીં,
સ્મીત કરવાની કળા અપનાવવી જોઇએ.
ને હૃદયના કોઈ ખૂણામાં પડી રે’ ક્યાં લગી,
લાગ મળતાં યાદને મમળાવવી પણ જોઈએ.
સુંદર
સરળ બાનીમાં પણ ગહન અર્થવાળી સુંદર ગઝલ
લાગણી તો સાવ નાના બાળ જેવી હોય છે,
ભીડથી એને જરા સંભાળવી પણ જોઈએ.
ને હૃદયના કોઈ ખૂણામાં પડી રે’ ક્યાં લગી,
લાગ મળતાં યાદને મમળાવવી પણ જોઈએ. સુંદર ગઝલના ખૂબ સુંદર શે’ર…!!
ઘણા વખતે ‘મીતીક્ષા’ ફરી કાર્યાન્વિત થઇ તેનો આનંદ
બહુ સરસ છે