Press "Enter" to skip to content

અલવિદા પપ્પા

31 ઓગષ્ટની વહેલી સવારે લગભગ સાડા પાંચ-પોણા છની વચ્ચે ફોન રણક્યો અને તરત બંધ થઈ ગયો. આટલી વહેલી સવારે કોનો ફોન હશે એ વિચાર પૂરો થાય ત્યાં તો સેલફોન રણક્યો. હવે તો મગજ સાથે આંખને પણ જાગવાની ફરજ પડી. જોયું તો ભારતથી ફોન હતો. એક આશંકાએ મનને ઘેરી લીધું. ફોન પરનું પહેલું વાક્ય સાંભળતાં જ હૃદય ધબકારો ચૂકી ગયું. પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. હોસ્પીટલમાં લઈ જઈએ છીએ.

પછી તો ફોનની લાઈન જાણે ગળે ભરડો લેવા લાગી, શ્વાસ લેવા અઘરા થઈ પડ્યા. હજારો માઈલ દૂર બેસીને પપ્પાને ખરેખર શું થયું હશે, એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે, એ સાજા થશે કે કેમ, અને થશે તો ક્યારે થશે .. એવા વિધવિધ વિચારો મનને ઘેરી વળ્યા. એક પુત્ર માટે આ સ્થિતિ કેટલી અઘરી હોય તે તો અનુભવે સમજાય.

પછી ફોનનો દોર ચાલતો રહ્યો … પપ્પા કોમા માં છે, કશું બોલતા નથી… હૃદય બંધ થાય છે, ચાલુ થાય છે… ડોક્ટરના પ્રયત્નો ચાલુ છે… લાઈફ સપોર્ટ સીસ્ટમ પર મૂક્યા છે… ડોક્ટરના કહેવા મુજબ 24 થી 48 કલાકમાં કંઈક થાય તો આશા છે…

સવારે નવેક વાગ્યે તો ભારત જવાની ટિકીટ બુક થઈ ગઈ. બે કલાકનો સમય હતો, તેમાં બેગ પેક કરીને એરપોર્ટ પર પહોંચવાનું હતું. લોસ એન્જલસથી ટોકિયો, ટોકિયોથી સીંગાપુર, સીંગાપુરથી મુંબઈ અને મુંબઈથી વડોદરા – એમ ચાર ફ્લાઈટની મુસાફરી પછી રવિવારે બપોરે વડોદરા પહોંચાયું. એરપોર્ટથી સીધો જ હોસ્પીટલ ગયો.

પપ્પા તો પોતાની લાક્ષણિકતા મુજબ ગાઢ નિંદ્રામાં હોય એમ સૂતા હતા. દર વખતે અમેરીકાથી આવતા જ મોં પર ફરી વળતી ખુશી અને માથા પર ફરી વળતો હાથ આજે ગાયબ હતા. હળવેકથી પપ્પાના માથે હાથ ફેરવ્યો અને એમની બંધ આંખો ક્ષણ માટે ઝબકી. પગમાં સહેજ કંપ આવ્યો. અને મને થયું કે એમની ચેતનાએ મારી નોંધ લઈ લીધી.

પછી તો આશા અને હકીકત વચ્ચેના તુમૂલ યુદ્ધનો પ્રારંભ થયો. મન તો હજી માનવા તૈયાર ન હતું. 30 ઓગષ્ટ, એટલે કે નીકળ્યાના ચોવીસ કલાક પહેલાં જ પપ્પા સાથે વાત થઈ હતી. એ દિવસે પપ્પા 80 વરસ પૂરા કરી 81માં વર્ષમાં પ્રવશેલા. પપ્પાની સાથે થયેલી વાત કાનમાં ઢોલનગારાની માફક ગૂંજવા માંડી. મેં પપ્પાને કહેલું કે હવે એક જ વાત વિચારવાની કે જગતને શું આપી શકાય. કોઈને પ્રેમ અપાય તો પ્રેમ આપો, હુંફ અપાય તો હુંફ આપો. આપણા જ્ઞાનનો લાભ અપાય તો એ આપો. કોઈને પૈસાથી મદદ કરાય તો એ કરો. દરેક વ્યક્તિ મળે તો મનને પ્રશ્ન પૂછવો કે આને હું શું આપી શકું. અને એમ કરતાં એક દિવસ યમરાજ આવે તો એને પણ કહી શકાય કે તારે શું જોઈએ છે. જીવ જોઈએ છે, તો આ રહ્યો. લે.. કોઈ ખચકાટ ન થાય. પણ પપ્પા મારી છેલ્લી વાતને આમ પકડી લેશે એવી સ્વપ્ને પણ ધારણા ન હતી.

હોસ્પીટલના બાંકડે મન વિચારોના ચકડોળે ચઢ્યું. ત્યાં જ ન્યૂરોસર્જને કહ્યું કે 80 કલાક થઈ ગયા છે. હવે બહુ આશા નથી. અગર લાંબે ગાળે ભાનમાં પણ આવે તો પણ એમની બાકીની જિંદગી કેવી હોય તે વિચારીને તમે ફેમીલી ડીસીઝન લો. જે પિતાએ જીવન આપ્યું હોય તેની જીવનદોરી ખેંચી લેવાનો નિર્ણય કરવો પડે એ કેવું વિચિત્ર કહેવાય. રાત્રે નક્કી કર્યું કે સવારે બ્રાહ્મમૂહુર્તમાં લાઈફ સપોર્ટ ખેંચી લેવો. મંગળવારે સવારે પાંચ વાગે મંત્રોચ્ચાર અને ગંગાજળ આપી આઈ.સી.યુ.ની બહાર નીકળ્યા. બાકીનું કામ ડોક્ટરના હાથમાં હતું.

સપોર્ટ સીસ્ટમ કાઢી લીધા પછી પણ બધા પેરામીટર યથાવત રહ્યા એટલે ઘરે લઈ જવાનો નિર્ણય લીધો. બપોરે ઘરે લઈ આવ્યા. એમના જ રૂમમાં આરામથી પપ્પા સૂતા. મિત્રો, સ્નેહી, સ્વજનો, સત્સંગીઓ વચ્ચે રહ્યા. રાતભર પ્રવચન, મંત્રજાપ થયા અને બુધવારે 5 સપ્ટેમ્બર બપોરે સવા બે વાગ્યે બધાની હાજરીમાં શ્રીરામ જયરામની ધૂન સાંભળતા જ એમણે આખરી શ્વાસ લીધો. એમના મુખ પરની નિર્વિકારિતા અને શાંતિ એવી જ રહી.

જેમનું આખુંય જીવન છળકપટ, દંભ કે અસત્યના આચરણ વિનાનું હતું, જેમણે અધ્યાત્મમાર્ગે સારાં એવા પગલાં પાડેલાં, યોગેશ્વરજી જેવા મહાપુરુષનું વરસોનું સાનિધ્ય માણેલું, સહુને પ્રેમ અને આનંદ વહેંચેલો, એમનું મૃત્યુ આવું સરસ જ હોય. અંત સમયનો ઉદવેગ કે બેચેની એમને ક્યાંથી સ્પર્શે. 30 ઓગષ્ટ 1932થી શરૂ થયેલ શ્વાસની યાત્રા એંસી વરસની દડમજલ પછી વિશ્રાંતિને પામી.

જીવનની ધન્યતાનો અનુભવ એમણે જીવતાં જ કરી લીધેલો. પોતાની જમીન વિકાસ બેન્ક (ખેતીબેન્ક)ની નોકરી દરમ્યાન લગભગ આઠેક હજાર ગામડાંઓની મુલાકાત લીધેલ. 1992માં રીટાયર્ડ થયા પછી પણ વ્યસ્ત જીવન જીવતા રહ્યા. 2002 માં હાર્ટએટેક આવ્યો અને એન્જીયોપ્લાસ્ટી કરાવી. જીવનભર આસન-કસરત અને પ્રાણાયામના અભ્યાસને કારણે એમનું સ્વાસ્થ્ય એમના ઉંમરના પ્રમાણમાં ઘણું સારું હતું. રીટાર્યડ થયા પછી ચાર વાર અમેરીકા આવ્યા, અલાસ્કા, હવાઈથી માંડીને ન્યૂયોર્ક, કેનેડા, વિગેરે સ્થળોએ ફર્યા. અજાતશત્રુ, માતૃભક્ત, પરિવારપ્રેમી, સંસ્કૃત ભાષાના ચાહક, શાસ્ત્રીય સંગીતના પ્રેમી, કુદરતી ઉપચારના ભક્ત (ઓફિશીયલી ડોક્ટર), તદ્દન નિર્મોહી ને નિસ્પૃહી, તથા પ્રખર અધ્યાત્મ પ્રેમી એવા પપ્પા અમે ત્રણ ભાઈ-બેનો ને મમ્મી માટે અનેરી મહેંક અને અપાર સ્મૃતિઓ મૂકી ગયા. એમને અલવિદા કહેવાનો જીવ ચાલતો નથી…


========================
30મી ઓગષ્ટ, એમના જન્મદિને મેં મારી નવી લખાયેલ ગઝલના ત્રણ-ચાર શેર એમને સંભળાવેલા. ત્યારે ક્યાં ખબર હતી કે હવે પછી એમને ગઝલ સંભળાવવાનો મોકો નહીં મળે. મારી કલમ જેમના સાહિત્યપ્રેમની સદૈવ ઋણી રહેશે એ પપ્પાને અંજલિ રૂપે એ ગઝલ અહીં પ્રસ્તુત છે.

પળમાં ભરી નિરાશા, આશા અમર બનાવી,
તેં જિંદગીની ભાષા કેવી સરળ બનાવી !

કંટકને દૂર કરતાં જીવન વહી ગયું તો,
ફુલોને સુંઘવા તેં તાજી કબર બનાવી !

બેજાન પત્થરોમાં વિશ્વાસ કોણ મૂકત,
સાબિત કરી હયાતી વચ્ચે ઝરણ બનાવી !

કીડીને આપ્યો કણ, હાથીને આપ્યો મણ,
માણસને આપવા પણ મુઠ્ઠી ગજબ બનાવી !

હૈયાના કોઈ ખુણે દાટી શકાત યાદો ?
સારું થયું તેં આંખો થોડી અભણ બનાવી.

આખર મળી જવાનું માટીમાં ખાખ થઈને,
માટી સુધી જવા તેં અદભૂત મજલ બનાવી.

‘ચાતક’ બની હું તરસ્યો એકેક બૂંદ માટે,
મારા ગયા પછી તેં આંખો સ-જલ બનાવી !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

25 Comments

  1. Pravin patel
    Pravin patel September 1, 2024

    બાહ્ય રીતે જીવાતુ જીવન એ આંતરીક જીવનની ચેતનાનુ પ્રતિબિંબ હોય છે જેથી બાહ્ય જીવનની ગેરહાજરી માં પણ તે જીવન વિકસિત થતુ રહે છે
    માટે પરલોક ગયેલા સ્વજનોને પ્રેમપૂર્વક યાદ કરવા તે જ સાચી શ્રદ્ધાંજલી અને તર્પણ છે

  2. Rajendra Patel
    Rajendra Patel February 5, 2013

    અલવિદા પપ્પા વાંચીને જ આગળ વધ્યો. ખુબ જ હૃદયસ્પર્શી અંજલિ ……પિતાજીના જીવનનું સુંદર, સચોટ નિરૂપણ. મારા માટે પ્રેરણાત્મક.. મારા પિતાજીની પણ કેંક વાતો શેર કરવી છે. હાલમાં ૭૯મુ વર્ષ ચાલે છે. તમારી વાત.. જગતને કઇંક આપવું .. કહી સંભળાવી. ખુબ જ ખુશ થઇ ગયા….

  3. Soham Shah
    Soham Shah November 12, 2012

    આપના પિતા નો આત્માનેી મોક્શ ગતિ તરફ પ્રગતિ થાય તે હ્ર્દય પ્રાર્થના!!

  4. Soham Shah
    Soham Shah November 12, 2012

    હું કોણ છું?

    આ સંસાર આપણને પોસાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઇ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં ‘સ્વરૂપ’ ને જાણવાની જરૂર છે. ‘હું કોણ છું’ એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઇ જાય.

    મૃત્યુ સમયે પહેલાં ને પછી…

    અંતિમ દિવસોમાં ઓક્સીજન પર છતાં….. મુક્ત હાસ્યમાં

  5. Ashwin Dabhi
    Ashwin Dabhi October 29, 2012

    જય શ્રીકૃષ્ણ.
    આપના પિતાજીના અવસાનથી દુઃખ થયું.
    પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.