સાંજ થાકીને સૂતી છે, શું થશે કાલે સવારે, પ્રશ્ન તો ઊભો જ છે,
રાત પણ જીવી રહી છે એ જ આશાને સહારે, પ્રશ્ન તો ઊભો જ છે.
ઓસની બૂંદો સમા બાકી રહેલા ચંદ શ્વાસો ક્ષણમહીં થૈ જાય ભડકો,
આંજવાનો આંખમાં છે તોય સૂરજને સવારે, પ્રશ્ન તો ઊભો જ છે.
ધારણાની ડાળ પર બાંધી દીધો છે કૈંક આશાઓએ માળો, ને છતાં,
કેમ સંભળાતા નથી બેચાર ટહુકાઓય દ્વારે, પ્રશ્ન તો ઊભો જ છે.
હું ગમું છું કે નહીં એ પૂછતાં બસ, એમણે તો પાંપણો ઢાળી દીધી,
અર્થ એનો શું હશે એ ધારવાનું છે અમારે, પ્રશ્ન તો ઊભો જ છે.
આખરી તારીખ આવી ત્યાં જ બા માંદી પડી ને સૌ બચત ખર્ચાઈ ગઈ,
શું થશે આ મોંઘવારીમાં હવે ટૂંકા પગારે, પ્રશ્ન તો ઊભો જ છે.
એમને જોવા અમારી આંખ ‘ચાતક’ થઈ હરણની જેમ બસ ભટક્યા કરી,
એ હવે મૃગજળ બનીને આવશે મારી મઝારે, પ્રશ્ન તો ઊભો જ છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
લાંબા રદિફમાં સરસ કામ થયુ છે દક્ષેશભાઈ….
હું ગમું છું કે નહીં એ પૂછતાં બસ, એમણે તો પાંપણો ઢાળી દીધી,
અર્થ એનો શું હશે એ ધારવાનું છે અમારે, પ્રશ્ન તો ઊભો જ છે.
નખશિખ સુંદર ગઝલ
ધારણાની ડાળ પર બાંધી દીધો છે કૈંક આશાઓએ માળો,….વાહ દક્ષેશભાઈ ખુબ મજાની ગઝલ તો બની ગઈ તો પણ પ્રશ્ન તો ઊભો જ છે.
એમને જોવા અમારી આંખ ‘ચાતક’ થઈ હરણની જેમ બસ ભટક્યા કરી…
લાંબી રદીફમાં સુંદર નક્શી કામ !
આખરી તારીખ આવી ત્યાં જ બા માંદી પડી ને સૌ બચત ખર્ચાઈ ગઈ,
શું થશે આ મોંઘવારીમાં હવે ટૂંકા પગારે, પ્રશ્ન તો ઊભો જ છે. ..ખૂબ સુંદર,
દરેક પ્રશ્નોના જવાબ ખરેખર મેળવવા જેવા છે, આમે ય આપણી આખી જિંદગી પ્રશ્નોની ભરમાર છે.. આખી ગઝલ ગમી ગઇ..!!