Press "Enter" to skip to content

ખાબોચિયાનું ગામ છે


[Painting by Donald Zolan]

પ્રેમની વાતો કરે પણ પ્રેમથી અણજાણ છે,
દોસ્ત, આ તારું હૃદય ખાબોચિયાનું ગામ છે.

આથમી મારા ઘરે એ ઊગશે તારા ઘરે,
આપણી વચ્ચેના અંતરની સૂરજને જાણ છે.

હોઠ પર મુસ્કાન, ખંજન ગાલમાં, તીરછી નજર,
પાંપણો વચ્ચે જડેલી આંખ મદિરાધામ છે.

યુગયુગોનો પ્રેમ પળમાં કેમ પૂરો થઈ ગયો,
ટેરવાંનો સ્પર્શ હૈયા પર જડેલો ડામ છે.

વેદનાનાં પ્હાડ કે બે-ચાર ઝરણાં સ્મીતનાં,
પ્રેમની સઘળી કહાણીનો અલગ અંજામ છે.

હું શ્રવણ ને શબ્દ મારા જીવતા મા-બાપ છે,
આ કલમ-કાગળ અમારે કાજ તીરથ-ધામ છે.

શું કહે ‘ચાતક’ પરિચયમાં, બધા સમજી શકે,
‘આ ગઝલ જો વારતા હો તો પરી મુજ નામ છે.’

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. UtPatang
    UtPatang October 1, 2012

    પ્રેમની વાતો કરે પણ પ્રેમથી અણજાણ છે,
    દોસ્ત, આ તારું હૃદય ખાબોચિયાનું ગામ છે.

    માણસની સન્કુચિતતા પર સરસ કટાક્શ છે.

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' August 7, 2012

    મજાનો મત્લા, અને આ શે’ર તો અમે બધા જ ભારતીય મિત્રો માટે લખાયો હોય તેવો,
    આથમી મારા ઘરે એ ઊગશે તારા ઘરે,
    આપણી વચ્ચેના અંતરની સૂરજને જાણ છે.
    આખી ગઝલ ખુબ ગમી..!!

  3. Pravin Shah
    Pravin Shah August 7, 2012

    આ કલમ-કાગળ અમારે કાજ તીરથ-ધામ છે…. વાહ !
    સુંદર મક્તા સહિત બધા જ શેર સરસ !

  4. Kishore Modi
    Kishore Modi August 7, 2012

    મક્તા શેર સાથે સુંદર ગઝલ.

  5. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) August 7, 2012

    ટેરવાંનો સ્પર્શ હૈયા પર જડેલો ડામ છે…..અભિવ્યક્તિ વ્યક્તિત્વની, ચાતકની ચાહતની…ખુબ સુન્દર વાહ….!!

  6. Pragnaju
    Pragnaju August 6, 2012

    હું શ્રવણ ને શબ્દ મારા જીવતા મા-બાપ છે,
    આ કલમ-કાગળ અમારે કાજ તીરથ-ધામ છે
    ખૂબ સરસ

  7. Rina
    Rina August 6, 2012

    હું શ્રવણ ને શબ્દ મારા જીવતા મા-બાપ છે,
    આ કલમ-કાગળ અમારે કાજ તીરથ-ધામ છે.

    શું કહે ‘ચાતક’ પરિચયમાં, બધા સમજી શકે,
    ‘આ ગઝલ જો વારતા હો તો પરી મુજ નામ છે.’

    વા…હ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.