Press "Enter" to skip to content

અમે પણ જોયા છે

પાનખરે નહીં ખરનારા કૈં પાન અમે પણ જોયા છે,
જોગીઓના અડબંગા કૈં ધ્યાન અમે પણ જોયા છે.

મહેફિલોમાં વાહ-વાહની વચ્ચે બોલાતા નામો, ને
ગુપ્તરૂપે થાનારાં કૈંયે દાન અમે પણ જોયા છે.

સંતાનો માબાપોને હડધૂત કરે એવું જ નથી,
દેવ ગણીને પૂજનારા સંતાન અમે પણ જોયા છે.

આજ કંઠમાં ડૂમો આવે ને તરડાયા સ્વર જેના,
મહેફિલને ડોલાવે એવા ગાન અમે પણ જોયા છે.

કાળાં કામો, કાળું ધન ને વેરઝેરથી મેલાં મન, પણ
મહેફિલમાં ઉજળા થૈ ફરતા વાન અમે પણ જોયા છે.

વાહ-વાહ કરવાની જેની આદત છે, એ છો કરતા,
આંખ ઝૂકાવીને દીધા સન્માન અમે પણ જોયા છે.

સુક્કાં ભઠ બાવળિયાં જેવાં આજ થયાં, એનું કારણ,
કુંપળ થઈને ફુટવાના અરમાન અમે પણ જોયા છે.

‘ચાતક’ હાશ મળે કોઈની એમ ભલે તું કરતો રહે,
નિષ્ફળ સાવ થયેલા કૈં વરદાન અમે પણ જોયા છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

  1. Anil Chavda
    Anil Chavda July 23, 2012

    સંતાનો માબાપોને હડધૂત કરે એવું જ નથી,
    દેવ ગણીને પૂજનારા સંતાન અમે પણ જોયા છે.

    વાહ-વાહ કરવાની જેની આદત છે, એ છો કરતા,
    આંખ ઝૂકાવીને દીધા સન્માન અમે પણ જોયા છે.

    ક્યા બાત હૈ

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' July 23, 2012

    વાહ-વાહ કરવાની જેની આદત છે, એ છો કરતા,
    આંખ ઝૂકાવીને દીધા સન્માન અમે પણ જોયા છે….બહોત ખૂબ..!!

    આજકાલ ‘ગુરુ’નો જોરદાર પ્રવાહ ચાલી રહ્યો લાગે છે…સુંદર ગઝલ….!!!!

  3. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) July 23, 2012

    સુક્કાં ભઠ બાવળિયાં જેવાં આજ થયાં, એનું કારણ,
    કુંપળ થઈને ફુટવાના અરમાન અમે પણ જોયા છે. …
    પુરાવું છું સુર અહીં…. ક્યાંથી કેહવાય વાહ વાહ હવે …? આભાર ના ભાર જોયા છે
    ટળવળે શબ્દો ને સજલ નૈન વાંચે ને સ્મરણ જોયા છે….

  4. Pragnaju
    Pragnaju July 23, 2012

    પાનખરે નહીં ખરનારા કૈં પાન અમે પણ જોયા છે,
    જોગીઓના અડબંગા કૈં ધ્યાન અમે પણ જોયા છે.
    વાહ્

  5. Karasan Bhakta USA
    Karasan Bhakta USA July 23, 2012

    કમાલની સુંદર રચના !!!
    માનવજીવનમા વર્તાતા વિરોધાભાસી, વિચાર, વર્તન, સરસ રજુ થયા છે.

  6. Kishore Modi
    Kishore Modi July 24, 2012

    જે થોડા છે પણ મૂઠી ઊંચેરા માનવી છે તેમની અલગ અલગ શે’રમાં વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે.
    ખૂબ ખૂબ અભિનંદન

  7. Pravin Shah
    Pravin Shah July 24, 2012

    …..વરદાન અમે પણ જોયા છે.
    સરસ !
    ગઝલ વાંચીને અમે વાહ વાહ કરવાના જ !

  8. Harshad Thakkar
    Harshad Thakkar September 25, 2012

    સંતાનો માબાપોને હડધૂત કરે એવું જ નથી,
    દેવ ગણીને પૂજનારા સંતાન અમે પણ જોયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.