Press "Enter" to skip to content

શબ્દોને આભારી છે

સંવેદનના છાપાંઓની એજ ફકત લાચારી છે,
આંખોના સૂમસામ ભવનમાં ઘટનાઓની બારી છે.

આંસુ સીંચી લીલાં રાખ્યાં રણ અંતરના એણે પણ,
ક્યાંક ફુલોને જોઈ એણે ઈચ્છાઓને મારી છે.

પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે,
પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે.

શબ્દ વ્યથાના વાવેતર કરવાનું સાધન માત્ર નથી,
મૌન ઘૂંટીને જીરવવાની કૈંક વ્યથાઓ ભારી છે.

એકમેકથી છૂટાં થ્યાં, પણ એજ સમસ્યા જીવનની,
એનીય દશા કૈં ઠીક નથી, મારીય દશા ક્યાં સારી છે.

કેટકેટલા આઘાતોની લાશ પડી છે આંખોમાં,
લાગે છે કે લાગણીઓ પણ સાવ બની સરકારી છે.

‘ચાતક’ તું ગુમનામ બનીને કોઈ ખૂણામાં જીવતો હોત,
તારી જે કૈં ઓળખ છે એ શબ્દોને આભારી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. ચાતક’ તું ગુમનામ બનીને કોઈ ખૂણામાં જીવતો હોત,
    તારી જે કૈં ઓળખ છે એ શબ્દોને આભારી છે.

    વાહ કવિ…! સાચે જ, કવિની ઓળખ શબ્દો જ હોય છે.

  2. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) July 16, 2012

    પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે,
    પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે…
    વાહ ખુબ કહી દ્ક્ષેશભાઈ શબ્દો ઘણા સુન્દર છે…આંખોના સૂમસામ ભવનમાં ઘટનાઓની બારી છે.
    ….આતુર તો ચાતક રહે છે તેને બદલે વાંચનારા અહીં આતુર રહે છે…ખુબ સરસ..!!

  3. Kishore Modi
    Kishore Modi July 16, 2012

    પ્રશ્ન ઊઠે લોકોના મનમાં રંજ નથી એનો સહેજે,
    પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે.
    સરસ મક્તા સાથે સુંદર ગઝલ.

  4. Pragnaju
    Pragnaju July 16, 2012

    સંવેદનના છાપાંઓની એજ ફકત લાચારી છે,
    આંખોના સૂમસામ ભવનમાં ઘટનાઓની બારી છે.
    વાહ મઝાનો મત્લા
    તો સાંપ્રત સમસ્યાઓ પર ચોટદાર કટાક્ષ
    કેટકેટલા આઘાતોની લાશ પડી છે આંખોમાં,
    લાગે છે કે લાગણીઓ પણ સાવ બની સરકારી છે.

  5. Pravin Shah
    Pravin Shah July 16, 2012

    વાહ ! લાંબી બહેરમાં સુંદર ગઝલ આપી !
    બધાજ શેર આસ્વાદ્ય !
    તમારી આવી જ ગઝલોની અમે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ.
    તારી જે કૈં ઓળખ છે એ શબ્દોને આભારી છે….
    એક કવિની સરસ ઓળખ આપી.
    અભિનંદન દક્ષેશભાઈ !

  6. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' July 18, 2012

    ૧૫ ‘ગા’ ગઝલનો મારો ગમતો છંદ છે, દરેક શે’ર અનુપમ અને અભિવ્યક્તિને સચોટ રીતે રજુ કરે છે.
    આ શિરમોર રહ્યું……
    પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે,
    પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: