Press "Enter" to skip to content

તોય આંખો બંધ છે

અધખુલેલાં બારણાં છે, આવવાની ધારણા છે, તોય આંખો બંધ છે!
આગમનને મન ભરીને માણવાની ચાહના છે, તોય આંખો બંધ છે!

દૃશ્યની બારી ઉઘડતાં કેટલી ઘટનાતણા સાક્ષી થવાનો લ્હાવ છે, ને*
ખુલવા તત્પર ઊભા બે પાંપણોના બારણાં છે, તોય આંખો બંધ છે!

રૂપનું દર્પણ સનમની આંખ છે ને આંખમાં છલકાય છે બેહદ નશો,
રૂપને નિહાળવા બેતાબ સઘળા આયના છે, તોય આંખો બંધ છે!

દ્રૌપદીનાં વસ્ત્ર પેઠે ચોતરફ ઈચ્છાતણા કૈં આવરણ ઉતરી રહ્યાં,
ચિત્તમાં દુઃશાસનોની જેમ રમતી કામના છે તોય આંખો બંધ છે!

શબ્દના તીખા પ્રહારો કર્ણને વીંધે નહીં, એથી નયન મીંચાય ના,
ના કહીં ગાલીગલોચ, બસ ચોતરફ સદભાવના છે તોય આંખો બંધ છે!

આંખ ‘ચાતક’ થૈ સતત ઝંખી રહી જેને, સ્વયં આવી ઊભા છે આંગણે,
ધન્ય એ દર્શન થકી પૂરી થનારી સાધના છે, તોય આંખો બંધ છે!

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

* શેર પાછળથી બદલ્યો

8 Comments

  1. Anil Chavda
    Anil Chavda July 15, 2012

    તોય આંખો બંધ છે!

    આ રદીફ અદભુત છે દક્ષેશભાઈ…

  2. P Shah
    P Shah July 11, 2012

    રૂપનું દર્પણ સનમની આંખ છે ને આંખમાં છલકાય છે બેહદ નશો,
    રૂપને નિહાળવા બેતાબ સઘળા આયના છે, તોય આંખો બંધ છે!
    વાહ !
    લાંબી બહેરમાં સુંદર ગઝલ !

  3. Narendra Jagtap
    Narendra Jagtap July 10, 2012

    દ્રૌપદીનાં વસ્ત્ર પેઠે ચોતરફ ઈચ્છાતણા કૈં આવરણ ઉતરી રહ્યાં,
    ચિત્તમાં દુઃશાસનોની જેમ રમતી કામના છે તોય આંખો બંધ છે!….

    વાહ વાહ ક્યા બાત હૈ…. વાહ વાહ ભાઇ મઝાની રચના…..

  4. Kishore Modi
    Kishore Modi July 9, 2012

    નવી રદીફમાં લાંબી બહેરમાં નાવિન્યપૂર્ણ ગઝલ.

  5. Pragnaju
    Pragnaju July 9, 2012

    સરસ ગઝલનો મક્તા
    આંખ ‘ચાતક’ થૈ સતત ઝંખી રહી જેને, સ્વયં આવી ઊભા છે આંગણે,
    ધન્ય એ દર્શન થકી પૂરી થનારી સાધના છે, તોય આંખો બંધ છે!
    બહુ સુંદર ..
    યાદ
    સુરજ કે છીપમાં કે આપણાંમાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીયે,
    ફુલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ આપણને આપણે જ વાગીયે.

    આવુ જીવવાની એકાદ પળ જો મળે, તેને જીવનભર પાછી ના વાળુ.
    ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ભાળુ.

    અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
    અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

  6. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) July 9, 2012

    દક્ષેશભાઈ આજ સવાર સવારમાં ભુક્કા કાઢી નાખ્યા. બહોત ખુબ…! મજા આવી.

  7. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' July 9, 2012

    નવીન લાંબી રદીફ અને પ્રલંબ બહેર સાથે સુંદર ગઝલ..!!
    આ વિશેષ ભાવ્યું..
    દૃશ્યની બારી ઉઘડતાં કેટલી ઘટનાતણા સાક્ષી થવાનો લ્હાવ મળશે,
    હાથમાં ગાંડિવ લઈ ટંકાર કરતી ધારણા છે, તોય આંખો બંધ છે!

    રૂપનું દર્પણ સનમની આંખ છે ને આંખમાં છલકાય છે બેહદ નશો,
    રૂપને નિહાળવા બેતાબ સઘળા આયના છે, તોય આંખો બંધ છે!

  8. Rina
    Rina July 9, 2012

    દૃશ્યની બારી ઉઘડતાં કેટલી ઘટનાતણા સાક્ષી થવાનો લ્હાવ મળશે,
    હાથમાં ગાંડિવ લઈ ટંકાર કરતી ધારણા છે, તોય આંખો બંધ છે!…

    વાહ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.