પ્રિય મિત્રો, મીતિક્ષા.કોમ આજે ચાર વરસની સાહિત્યયાત્રા પૂરી કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે. આપના સાથ-સહકાર વગર આ સંભવ થઈ શક્યું ન હોત. આ પ્રસંગે પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરનાર સર્વ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર.
*
આંખમાં સપનાં ઘણાં છે, રાત તું રોકાઈ જા,
લાખ કહેવાની તને છે વાત, તું રોકાઈ જા.
કેટલા પડદા રહસ્યોના હજી ખુલ્યા નથી,
છે સમયની માંગ, ઝંઝાવાત, તું રોકાઈ જા.
આભથી વરસી રહી છે ચાંદની બેફામ થઈ,
ખૂબ લેવા પ્રેમની સૌગાત, તું રોકાઈ જા.
હાથમાં હૈયું નથી, ઓ મન, વિચારી લે જરા,
આપ ના કોઈયે પ્રત્યાઘાત, તું રોકાઈ જા.
બે પ્રણયઘેલા હૃદયના સંમિલનની રાત છે,
આજ મારું માન, ઓ પરભાત, તું રોકાઈ જા.
કેટલી ‘ચાતક’ ક્ષણોને આંખમાં આજ્યા પછી,
આજ ફુટી છે તરસ, ઓ જાત, તું રોકાઈ જા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઇ,
સાહિત્ય યાત્રા આમ જ અવિરત ચાલ્યા કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ…
જય મહાદેવ…
સુધીરભાઈ, પંચમભાઈ, કિશોરભાઈ,
આપ સર્વ કવિમિત્રોનો ખુબ ખુબ આભાર … આપના પ્રતિભાવો અને સૂચનો મળતા રહે એવી કામના.
=====
યશવંતભાઈ,
આપના બ્લોગને ચાર વર્ષ પૂરા થયા તે નિમિત્તે ખુભ ખુબ અભિનંદન .. તમારી કલમ અને એની ‘અસર’ બની રહે એ જ શુભેચ્છા.
દક્ષેશભાઈ,
ચાર વર્ષોની બ્લોગ્યાત્રા બદલ અભિનંદન.
સુંદર રચના. બ્લોગજગતમાં આપના જેવા મિત્રોને કારણે જ રોકાઈ જવાનું મન થાય છે!
મારા બ્લોગને પણ આજે ચાર વરસ પૂરાં થઈ ગયાં!
ચાર ચાર વરસની સફળ યાત્રા માટે મુબારકબાદ.
સુંદર મત્લા સાથેની સરસ ગઝલ માણી અભિનન્દન
ખૂબ ખૂબ અભિનંદન. તમારી વેબસાઈટ અને મીતિક્ષાબેન બન્નેને. તમારી કાવ્યગતિને નિહાળવી/માણવી શરૂથી જ આનંદદાયક રહી છે.
પ્રિય દક્ષેશભાઈ,
ચાર વર્ષ દમામભેર પૂર્ણ કરી પાંચમા વર્ષમાં સફળ પ્રવેશ કરવા બદલ હાર્દિક અભિનંદન!
આપની કલમ કવિતા અને સાહિત્યના ઉચ્ચ શિખરો સર કરે એવી અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.