દર્પણના ગામમાં મને દૃશ્યો ઉધાર દે,
બે-ચાર આંખમાં મને સ્વપ્નો ઉધાર દે.
બાકીની જિંદગી તને આપી દઉં પ્રભુ,
વીતી ગયેલ કાલનો ટુકડો ઉધાર દે.
બે-ચાર પ્રેમની પળો આપી નહીં શકું,
બદલામાં તું ભલે મને સદીઓ ઉધાર દે.
પરવરદિગાર માફ કર મારા ગુનાહ ને,
મારી શરમને ઢાંકવા પરદો ઉધાર દે.
પ્હોંચી શકાય શી રીતે તારા નગર સુધી,
મંઝિલ મળી ગઈ મને, રસ્તો ઉધાર દે.
શંકાના ગામથી જવું શ્રધ્ધા-શિખર સુધી,
ભટકી પડે ચરણ કદી, નક્શો ઉધાર દે.
તારા દરશની ઝંખના શમતી નથી પ્રભુ,
મારી તરસને ખાળવા દરિયો ઉધાર દે.
‘ચાતક’ લખી લખી અને થાકી ગયો પ્રભુ,
તારા હૃદય લગી જવા શબ્દો ઉધાર દે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
શંકાના ગામથી જવું શ્રધ્ધા-શિખર સુધી,
ભટકી પડે ચરણ કદી, નક્શો ઉધાર દે. ….વાહ,
મજાની ગઝલ…!! બધાં જ શે’ર સુંદર થયાં છે.
શંકાના ગામથી જવું શ્રધ્ધા-શિખર સુધી,
ભટકી પડે ચરણ કદી, નક્શો ઉધાર દે……
વાહ વાહ બહોત ખુબ ….સુંદર રચના…..ગમી
તારા દરશની ઝંખના શમતી નથી પ્રભુ,
મારી તરસને ખાળવા દરિયો ઉધાર દે.
કાયમ આવી ગઝલો અમને વાંચવા ઉધાર દીધા કરો… ક્યા બાત હૈ…
શંકાના ગામથી જવું શ્રદ્ધા-શિખર સુધી,
ભટકી પડે ચરણ કદી, નકશો ઉધાર દે.
સુંદર મક્તા સાથે સરસ ગઝલ
તારા હૃદય લગી જવા શબ્દો ઉધાર દે…. વાહ !
સુંદર મક્તા અને આ પણ..
શંકાના ગામથી જવું શ્રધ્ધા-શિખર સુધી,
ભટકી પડે ચરણ કદી, નક્શો ઉધાર દે…
પરવરદિગાર માફ કર મારા ગુનાહ ને,
મારી શરમને ઢાંકવા પરદો ઉધાર દે.
ખુબ સુન્દર …!!
બધા જ શેર ગમી જાય એવા છે.
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
ખૂબ સુંદર ગઝલ!
મનગમતા નામને ઉમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમને જોઈને ફુલ નથી ખીલતા, પણ ફુલના ખીલવાથી મૌસમ બદલાય.