સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,
કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે.
ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન,
માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે.
જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં,
એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે.
નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે,
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે.
મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.
છાંય કઠિયારાને મળતાં હાશ નીકળે એ સમે
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે.
સર્પ જે રીતે ઉતારે કાંચળી એ રીતથી,
આ સમયથી બેફિકર સરકી જવાતું હોય છે.
ખુશનસીબી છે કે ‘ચાતક’ ઈંતજારી કોઈની
આંખથી અહીંયા સહજ ભટકી જવાતું હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલ દક્ષેશભાઈ
છાંય કઠિયારાને મળતાં હાશ નીકળે એ સમે
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે.
સરસ થઈ છે ગઝલ દક્ષેશભાઈ…
જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં,
એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે………..
વાહ વાહ …. સરસ મસ્ત ગઝલ…….
ઉપરથી નીચે સુધી ઝકાસ…. અફલાતુન દક્ષેશભાઈ..!!
મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.
મ્રુગજળનો આભાસ ભુલાવે ભાન ને ભટકી જવાતું હોય છે..સમજદાર આપના જેવા ઇશારામાં સમજાવી જાણે છે…!!
દક્ષેસભાઈ, કમાલની છે આ આપની વધુ એક ખુબ જ સુંદર રચના!
જેને બીરદાવવા ઉચીત શબ્દો નથી.
” ગ્રીષ્મના મધ્યાન્હ જેવી ભડભડે હૈયે અગન,
માવઠુ થઇ આંખથી વરસી જવાતું હોય છે”
” છાંય કઠીયારાને મળતા હાશ નીકળે એ સમે,
વ્રુક્ષથી મુંછમાં જરા મલકી જવાતું હોય છે”
નખશિખ સુંદર ગઝલ બધા શે’ર આસ્વાદ્ય થયા છે. અભિનંદન.
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે…..
મનમોહક છબી સાથે આખી ગઝલ સુંદર !
નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે,
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે.
મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.
ઉપરોક્ત સુંદર શે’ર સહિત પુરી ગઝલ માણવાલાયક…