રોજ સવારે મનજી પૂછે કોના વિશે લખવું છે,
વીતી વાતો કે આગમની ઘટના વિશે લખવું છે ?
પ્રેમ, વ્યથા, સંબંધો ને સંવેદનભીની વાતો કે,
કોઈ કહાની, સપનું કે દુર્ઘટના વિશે લખવું છે ?
*
ચીલાચાલુ લખનારા છે લોક હજારો, મારે તો,
ચીલો ચાતરનારા કોઈ અદના વિશે લખવું છે.
રાત, દિવસ, મહિનાઓ જેના ખાખ થયા મંઝિલ કાજે,
હૈયામાં ઉઠેલા એના દવના વિશે લખવું છે.
મનના કોઈ અગોચર ખૂણે ધૂપસળી સમ જલનારા,
જીવનને બળ આપે એવા સપના વિશે લખવું છે.
એકમેકના હૈયા સુધી પ્હોંચે છે રસ્તાઓ જ્યાં,
ભૂલાયેલા ગામ અને ઘર અપના વિશે લખવું છે.
જેના આશિષથી જીવનના છોડ કદી મૂરઝાયા ના,
દેવ સમાં સઘળાંયે પૂર્વજ ઘરના વિશે લખવું છે.
સપ્તપદીના ફેરા, વચનો, દુનિયાની રીતરસ્મો વિણ,
ગૂંથાયેલા પ્રેમસબંધ ભવભવનાં વિશે લખવું છે.
રાતરાતના જાગી ભૂખ્યા બાળ રડે ના એ માટે,
હૈયાસરસો ચાંપી સૂતી માના વિશે લખવું છે.
ઘૂંટ દૂધનો ના મળવાથી કંઠ સૂકાયો છે જેનો,
પીધા આંસુ કેવળ જેણે ઊના, વિશે લખવું છે.
જેની ભીંતે ટૂંટિયું વાળી ઠંડીમાં સૂતેલા બાળ,
એના ઘરમાં ઠુંઠવાયેલા સોના વિશે લખવું છે.
એક એક બૂંદો માટે તરસીને સીંચી જેણે પ્યાસ,
ઈંતજારમાં વીતી સઘળી પળના વિશે લખવું છે.
પર્વત, દરિયો, ઝાકળ, ખુશ્બુ, વીજળી, વર્ષા ને વાદળ,
ઈશ્વરની અદભુત અજાયબ રચના વિશે લખવું છે.
કેટકેટલા વિષયો લખવા માટે હાજર ‘ચાતક’જી,
તોય વિચારો વ્યર્થ હજી કે શાના વિશે લખવું છે ?
શબ્દરૂપે સંગીત શ્વાસનું રેલાતું જીવનપથ પર,
મૌન અચાનક આવી પૂછશે, યમના વિશે લખવું છે ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
કોના વિશે લખવુ ?? આ જે કોમેન્ટમાં .. કમાલ કમાલ
સરસ !
પ્રેમસબંધ ભવભવનાં વિશે લખવું છે…. વાહ !
ખૂબ જ સુંદર ગઝલ થઈ છે. અભિનંદન !
અશોકભાઈ કહે છે એમ ૧૫ ‘ગા’ અને ૧૫ શે’ર- સારો મેળ બેસાડ્યો.
તમારા મનમાં ચાલતું મંથન ગમ્યું. ચાલું રાખો….
શ્વાસનું સંગીત શબ્દરૂપે અવિરત તમારી સાથે જ છે.
સપ્તપદીના ફેરા, વચનો, દુનિયાની રીતરસ્મો વિણ,
ગૂંથાયેલા પ્રેમસબંધ ભવભવનાં વિશે લખવું છે.
રાતરાતના જાગી ભૂખ્યા બાળ રડે ના એ માટે,
હૈયાસરસો ચાંપી સૂતી માના વિશે લખવું છે.
દક્ષેશભાઈ, ખુબ જ માર્મિક સંવેદનશીલ અને સરળ પ્રાસાદિક ભાષામાં ગઝલ…સાલું લાગી આવે.
Hi……..
it’s really good.
વાહ દક્ષેશભાઈ વાહ.
વાહ દક્ષેશભાઈ,
તમારી લખવાની તલપ હંમેશા રહે એવી શુભકામનાઓ….
આખી ગઝલ સુંદર થઈ છે દરેક શેર એક એકથી ચડિયાતા બન્યા છે અભિનન્દન.
‘ગા’ના ૧૫ આવર્તન અને ૧૫ શે’રની દીર્ઘ ગઝલ ગમી…
આ ખાસ..
રાતરાતના જાગી ભૂખ્યા બાળ રડે ના એ માટે,
હૈયાસરસો ચાંપી સૂતી માના વિશે લખવું છે.
એક સર્જકની જીવન અને મૃત્યુ વિશેની મથામણ, એ બે વચ્ચે જીવાતા જીવનનું સાદૃશ્ય ચિત્રની શાબ્દિક રજુઆત ખૂબ નિખાલસ છે.