Press "Enter" to skip to content

મૂંઝવણમાં હતો

આયનો એથી જ આજે કૈંક મૂંઝવણમાં હતો,
આભને અજવાળનારો ચાંદ આંગણમાં હતો.

આંખમાં થીજી ગયેલાં વાદળાંઓની કસમ,
એક તરડાયેલ ચહેરો ક્યાંક દર્પણમાં હતો.

લાગણીની વાત આવી, પાંપણો વચ્ચે પડી,
કેટલો વિશ્વાસ એને ડૂબતાં જણમાં હતો.

ખુબસુરત છોકરીથી વાત કરવી શી રીતે,
ગામનો પ્રત્યેક વ્યક્તિ એના સગપણમાં હતો.

જીતવા માટે ભલા, મારા પ્રયત્નો ક્યાં હતા,
હારવું શી રીતથી એની જ ગૂંચવણમાં હતો.

ઝાંઝવા પાછળ ભટકતી હસ્તરેખાઓ મળી,
એટલે મુકામ મારો કાયમી રણમાં હતો.

જિંદગીનો મોહ ‘ચાતક’ જિંદગી સાથે ગયો,
મોતનો અફસોસ કેવળ આખરી ક્ષણમાં હતો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

  1. જિંદગીનો મોહ ‘ચાતક’ જિંદગી સાથે ગયો,
    મોતનો અફસોસ કેવળ આખરી ક્ષણમાં હતો.

    ક્યા બાત હૈ દક્ષેશભાઈ…

  2. Girija Joshi Desai
    Girija Joshi Desai April 5, 2012

    ઝાંઝવા પાછળ ભટકતી હસ્તરેખાઓ મળી,
    એટલે મુકામ મારો કાયમી રણમાં હતો.

    ખુબ મસ્ત…

  3. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) April 5, 2012

    ચાતક કોની રાહમાં છો ? અફસોસ ન કરો બસ એકોએક દિવસ સંપુર્ણ ખુશીમાં જીવો. ખુબ સુન્દર લખો છો ને લખતા રહેશો. અમને પ્રોત્સાહન દેતા રહેશો.

  4. Kishore Modi
    Kishore Modi April 5, 2012

    ખુબસુરત છોકરીથી વાત કરવી શી રીતે ?
    ગામનો પ્રત્યેક વ્યક્તિ એના સગપણમાં હતો.
    સુંદર ગઝલ

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 7, 2012

    જીતવા માટે ભલા, મારા પ્રયત્નો ક્યાં હતા,
    હારવું શી રીતથી એની જ મૂંઝવણમાં હતો.
    જબરી અવઢવ

    ઝાંઝવા પાછળ ભટકતી હસ્તરેખાઓ મળી,
    એટલે મુકામ મારો કાયમી રણમાં હતો.
    આટલી કમનસીબી…!!?
    આખી ગઝલમાં તમે કમાલ કર્યો છે , આદાબ અર્જ હૈ..!!

  6. Sudhir Patel
    Sudhir Patel April 8, 2012

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  7. P Shah
    P Shah April 9, 2012

    કમાલની ગઝલ થઈ છે.
    ગામનો પ્રત્યેક વ્યક્તિ એના સગપણમાં હતો…. ક્યા બાત હૈ !
    મક્તા સાથે છેલ્લા ચાર શેર લાજવાબ થયા છે.
    ખૂબ ખૂબ અભિનંદન દક્ષેશભાઈ !

  8. J A Kukadia
    J A Kukadia May 19, 2012

    અદ્ભુત રચના…… અસરકારક પણ એવી જ…..

  9. J A Kukadia
    J A Kukadia May 19, 2012

    ઝાંઝવા પાછળ ભટકતી હસ્તરેખાઓ મળી,
    એટલે મુકામ મારો કાયમી રણમાં હતો.
    આટલી કમનસીબી…!!?
    આખી ગઝલમાં તમે કમાલ કર્યો છે, આદાબ અર્જ હૈ..!!
    કહેવુ પડે……. લગે રહો…….ઓર લગાતે રહો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.