Press "Enter" to skip to content

જૂનું ઘર

રોજ ચણું છું પાંપણ વચ્ચે જૂનું ઘર હું ફળિયામાં,
ભીંત ચીતરી જેની હૈયે ક્ષણને બોળી ખડિયામાં.

વંશવેલ વીંટળાઈ જેને ફાલી-ફૂલી, વૃક્ષ બની
શોધું મૂળિયાં એનાં ઊભા જીર્ણ અડીખમ સળિયામાં.

પાડોશીનો પ્રસંગ, ઘરનો ઉત્સવ; એનું દુઃખ, પીડા,
દુઃખિયારાની છત ટપકે તો નેવાં ઘરનાં નળિયામાં.

બાએ પીરસેલા ભાણાંની લિજ્જત મહેકાવે મનને,
સ્વાદ યથાવત હજીય એનો ચણીબોરનાં ઠળિયામાં.

બાના હાથેથી ઊભરાતું વ્હાલ અડે મન-અંતરને,
તેલ ઘસીને કેશ ગૂંથે છે સ્મરણો મારા પળિયામાં.

એજ હીંચકો, એજ રવેશી, કાતરિયું, ભીંતો, બારી,
કેટકેટલી યાદો એની ખૂંપી પગનાં તળિયામાં.

બચપણનાં દિવસોનો મારો મહેલ ચણી આપે મુજને,
મળશે એવી ક્યાંય કુશળતા આજકાલના કડીયામાં ?

ક્ષણની ટિક્ ટિક્ માંથી નીકળી આજ જવું પાછા મારે,
હૈયાની વાતોને ચીતરું કેમ કરી કાગળિયામાં.

‘ચાતક’ વીતેલા દિવસોના મેળામાં ભટકી ભટકી,
છલકાઈ છે આંખો મારી આજ ફરી ઝળઝળિયામાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*

જૂનું ઘર
=======
મે અને જૂન એટલે વેકેશનના દિવસો. રજા પડે એટલે અમને બધાંને સુરત યાદ આવે. સુરત અમારું વતન, દાદા અને નાના – બંનેના ઘર ત્યાં. ઘણુંખરું દાદાને ઘરે રહેવાનું થતું. ત્રણ કાકા અને પાંચ ફોઈઓનો બહોળો પરિવાર. રજા પડે એટલે બધા જ કઝીન અમદાવાદ, વલસાડ, વડોદરા, મુંબઈ એમ ઠેકઠેકાણેથી સુરત આવે એનો ઈન્તજાર. સુરતના હાર્દ ગણાતા ચૌટાપુલ વિસ્તારમાં સાંઈબાબા મંદિરની નજીક પોળમાં મકાન. બાપદાદાના વખતનું, ત્રણ માળનું, જૂનું થઈ ગયેલું એ મકાન રજાના દિવસોમાં અમારી ધમાલ મસ્તીથી ગાજતું થઈ જતું.

દિવસે શેરીમાં આવેલ સતી માતાના મંદિરના નાના બગીચામાં જઈને રમવાનું. બપોરે બરફનો ગોળો ખાવાનો અને સાંજે હોપપુલ પર ફરવા નીકળી જવાનું. સુરત રહીએ એ દિવસો દરમ્યાન સુરતની સ્પેશિયલ વાનગીઓ ખાવા મળે. પોળને નાકે પારસી બેકરીના પાઉં અને ફરમાસુ બિસ્કીટ, ચૌટાપુલ પાસે જનતાનો આઈસક્રીમ, હરિશંકર ધનજીની ખાજા પૂરી અને ઈદડાં, ભાગળ પર ચોર્યાસી ડેરીની મલાઈ, મોહનલાલની મિઠાઈઓ, ચૌટાપુલ શાકમાર્કેટમાં મળતી ગલેલી (તાડફળી), ભાગાતળાવ પર ગાંડાલાલના સમોસા … તો બાના હાથની ગરમ મસાલાવાળી દાળઢોકળી, ભગતમુઠિયાનું શાક અને ભાખરા (ફુલેચા), બોરનું અથાણું …અહાહા એ બધા સ્વાદ વરસો પછી આજેય અકબંધ છે. આજે પણ સુરતનું નામ આવતાં તાપી પરનો હોપ પુલ, ડક્કાના ઓવારે જોયેલા ગણપતિ વિસર્જન, ચૌટાપુલ બેન્કની અગાશી પરથી જોયેલા તાજિયાનાં જૂલુસ, રંગઉપવનમાં જોયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ચોપાટી પરની સેર, માયસોર કાફેના ઢોંસા, અંબિકા નિકેતનનું મંદિર – બધું જ યાદ આવી જાય છે.

હું છઠ્ઠા કે સાતમા ધોરણમાં હોઈશ ત્યારે જ દાદા પરલોક સીધાવેલા પણ બા ઘણાં વરસો સુધી રહ્યાં અમને પ્રેમમાં નવડાવતા રહ્યાં. એટલે દર વરસે સુરત જવાનો સિલસીલો યથાવત્ રહ્યો. સમય જતાં વાતાવરણ પલટાયું. બા સ્વર્ગવાસી થયા, પોળના નાકે મસ્જિદ બની, એમના દ્વારા એક મકાન ઊંચા દામે ખરીદાયું. પછી પોળના મકાનો ટપોટપ વેચાવા લાગ્યા અને અંતે એક દિવસ અમારું એ જૂનું મકાન પણ વેચાયું, કહો કે વેચી દેવું પડ્યું. જે મકાન સાથે મારા બાળપણ અને કિશોરાવસ્થાની અનેક સ્મૃતિઓ જડાયેલી હતી એની સંવેદના કલમમાં ઉતરી આવી ….

7 Comments

 1. Kishore Modi
  Kishore Modi March 30, 2012

  સુંદર મુસલસલ ગઝલ જૂની યાદો તાજી કરી ગઈ

 2. ‘ચાતક’ વીતેલા દિવસોના મેળામાં ભટકી ભટકી,
  છલકાઈ છે આંખો મારી આજ ફરી ઝળઝળિયામાં.

  ક્યા બાત હૈ…. અચ્છા હૈ….

 3. Urvashi Parekh
  Urvashi Parekh March 30, 2012

  ખુબજ સરસ.
  બચપણ ના દીવસો નો મહેલ ચણી આપે એવા કુશ્ળ કડીયા,
  કેટલીક યાદો એની ખુંપી પગના તળીયામા,
  ચણીબોર વાળી વાત…
  સરસ.

 4. અશોક જાની 'આનંદ'
  અશોક જાની 'આનંદ' April 7, 2012

  વાહ ફરી કમાલ કરી હોં, દક્ષેશ્ભાઇ…!!
  એક ચિત્ર ઉભું કરી દીધું આંખો સામે, વાહ…આખી ગઝલ સુંદર..!
  પણ આ તો લાજવાબ…
  બાએ પીરસેલા ભાણાંની લિજ્જત મહેકાવે મનને,
  સ્વાદ યથાવત હજીય એનો ચણીબોરનાં ઠળિયામાં.

  બાના હાથેથી ઊભરાતું વ્હાલ અડે મન-અંતરને,
  તેલ ઘસીને કેશ ગૂંથે છે સ્મરણો મારા પળિયામાં.

  એજ હીંચકો, એજ રવેશી, કાતરિયું, ભીંતો, બારી,
  કેટકેટલી યાદો એની ખૂંપી પગનાં તળિયામાં.

 5. Saryu Parikh
  Saryu Parikh April 21, 2012

  વાહ! બહુ સરસ. “મૂંઝવણ” અને “બીચારી મા” રચનાઓ પણ દાદ માગી લે તેવી છે.
  સરયૂ

 6. Sanjay S. Dhalavaniya
  Sanjay S. Dhalavaniya November 3, 2012

  I like it, nice poem.
  I get loss more because of I had not know ‘chatak’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.